પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦

અનાથતાના ભાને આણેલાં અાંસુની છાલક સ્પષ્ટ હતી. છેટેથી પણ તે બે વાનાં માતાપિતા જોઈ શક્યાં. જોઈ ર્‌હે તે પ્હેલાં તો તે ચાલતી અદૃશ્ય થઈ ગઈ. દ્વાર આગળ જઈ ગુણસુંદરીએ એને બે ત્રણ વાર બોલાવી. છતાં કુસુમ દેખાઈ પણ નહી અને બોલી પણ નહી.

ગુણસુંદરીના મનનો સ્વાભાવિક શાંત ગુણ આજ જતો રહ્યો. પિતા બોલાવે અને પુત્રી ન બોલે તે એનાથી ખમાયું નહી. શોકમાં ક્રોધ ભળ્યો. રાત્રિ હતી તેમાં વળી કાળાં વાદળાં ચ્હડયાં. પુત્રીની પાસે જતી તેને વિદ્યાચતુરે અટકાવી.

વિ૦— "ગુણીયલ, ત્હારા અને કુસુમના ઉભયના અધિકારમાં જે વાત નથી તે કરવા કરાવવા તું તત્પર થાય છે."

ગુણસુંદરી અટકી, દીન થઈ ગઈ અને બોલી. "પુત્રીને આટલું લાડ ઘટતું નથી."

વિ૦— "મન ઉપર બળાત્કાર થતો નથી અને બાળકોનાં મનને વાળ્યાં વગર તેમની ક્રિયાશક્તિ ઉપર બળાત્કાર કરનાર માતાપિતા બાળકને દાસત્વનાં બન્ધનમાં નાંખવાનું પાપકર્મ કરે છે."

ગુ૦— "મ્હારી બુદ્ધિ કુણ્ઠિત થઈ ગઈ છે. આપ ક્‌હો છો તેમ હશે. હું આજ સુધી આપની ઈચ્છા પ્રમાણે વર્તી છું અને વર્તીશ. પણ હવે ગમે તો કુસુમના વિચાર અને તેના પ્રયોગ ઉભય આપના એકલાના હાથમાં રાખો અને મને આ ઉપાધિમાંથી મુક્ત કરો; અને ગમે તે સર્વ વાત અમારી સ્ત્રીબુદ્ધિ પ્રમાણે થવા દ્યો. અને આ ઉપાધિમાંથી આપ જાતે મુક્ત થઈ જાવ. પણ મારી સ્ત્રીબુદ્ધિમાં આપનું પૌરુષ ભરવાનું બંધ કરો - સુરંગમાં દારૂ ભરવાથી સુરંગનો જ નાશ થાય છે તેમ મ્હારી બુદ્ધિનું હવે થશે. હું આપને પગે પડી આટલું માગી લેઉં છું.

ગુણસુંદરી ગળગળી થઈ ગઈ અને એક ઉંડી ખુરશીમાં પડી.

"જે પુરુષ પુત્રી ઉપર બળ-આજ્ઞા નથી કરતો તે ત્હારા જેવી પતિવ્રતા પ્રિયતમ સ્ત્રી ઉપર કેમ કરશે? વ્હાલી ગુણીયલ ! ત્હારો ગુંચવારો હું સર્વથા સમજું છું અને તેમાંથી તને મુક્ત કરું છું. પણ એ ભારનો હું જાતે નિર્વાહ કરું તે પ્રસંગે સાક્ષિભૂત થઈ મ્હારી સાથે ર્‌હેવામાં તો નક્કી તને કાંઈ પ્રતિબન્ધ નહી લાગે."

આમ ક્‌હેતો ક્‌હેતો વિદ્યાચતુર ગુણસુંદરી પાસે ગયો અને હાથ ઝાલી તેને ખુરશી ઉપરથી ઉઠાડી.