પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૫

સત્ય લાગે છે તે મને આજથી લાગે છે. સ્વામીજીની કથામાં પણ મ્હારો જ બોલ ખરો પડે છે. ફ્‌લોરા બ્હેન પણ મ્હારી જ ગાડીમાં છે. સરસ્વતીચંદ્રને પણ મ્હારી જ પેઠે છે – એ તો મ્હારા પ્રથમ ગુરુ. હવે માત્ર ગુણીયલ અને કાકીને જીતવાં રહ્યાં. સરસ્વતીચંદ્ર નહી જડે એટલે પિતાજીની ચિન્તા નથી.”

“કાકી શા શા વાંધા ક્‌હાડે છે ? પ્રથમ ક્‌હે છે કે વાસના રોકવી કઠણ છે. પછી ક્‌હે છે કે શાસ્ત્રકારો પરણવાની મર્યાદા બાંધી ગયા છે. ત્રીજું સ્ત્રીની એક ભુલ પ્રકટ થઈ જાય, અને ચોથી વાત એ કે કુમારી સ્ત્રીને ર્‌હેવાનું ઘર ન મળે, ખાવાના પઈસા ન મળે, લોક ચાળા કરે, ને સ્ત્રીજાતને માયા ને કાયા બેનાં ભય."

“જો બાવી થઈએ તે આ બધા વાંધા દૂર થાય. મફત ખાવાનું મળે, પુરુષનો સંગ નહી એટલે સ્ત્રીને લાલચ નહી, અને અનેક સ્ત્રીઓ વચ્ચે ર્‌હેવાનું એટલે પુરુષવર્ગને બ્હાર રાખી વગર ભયે રહેવાનો કીલ્લો ! બાવીઓ ર્‌હે છે તે પણ શાસ્ત્રની મર્યાદામાં જ હશે કની ?"

“આ ઘરમાંથી નીકળવું પડે એ પ્હેલું દુ:ખ – ને બાવીઓની પેઠે જાડાં લુગડાં પ્હેરવાં પડે અને જારબાજરો ખાવો પડે એ બીજું દુ:ખ.”

“પ્હેલા દુઃખનું તો કંઈ નહી. કાલથી જાડાં લુગડાં ને જારબાજરીની ટેવ પાડીશું. વાડીમાં માળણને ઘેર લુગડાં, જાર, ને બાજરી છે.”

“નાત જાત બગડવાની બ્હીક નથી – ક્યાં હાથે રાંધતાં આવડતું નથી જે વટાળ થશે ?."

“એ ટેવ પાડવા જઈશું તે કાકી ને ગુણીયલ પુછાપુછી કરશે.”

“કહીશું કે વર ગમે તેવો મળે ને ગરીબ ઘરનો હોય તો જાડે લુગડે ને જારબાજરીએ પણ - નીભાવ કરવો પડે કની ? સારો વર મળશે નહી ને મ્હારું ચાલશે નહી ને મુશ્કે મારી ગમે તેને પરણાવશે તો ભાગ્ય પ્રમાણે વર્તવું પણ પડશે.”

“ત્યારે એ તો એ જ ! એક પન્થ ને દો કાજ ! વળી સ્વામી સારો હોય તે પણ પ્રથમ મીઠો હોય ને પછી કડવો થાય એ તો ફ્‌લોરાના દેશમાં પણ છે ને આપણામાં પણ છે. તેવું થાય તો શું કરીયે? માટે એ જ માર્ગ કે આપણે ટેવ પાડવી.”

“સંસ્કૃત ભાષા અને અનુભવની ભાષા બે વાનાં સ્ત્રીયોને સરખાં ! ” કંઈક નવા વિચારમાંથી જાગી હોય તેમ બોલી.

“સંસ્કૃતમાં શૃંગાર હોય તો છોકરીઓને કોઈ સમજાવે નહી – પરણ્યા પછી સ્વામી સમજાવે ત્યારે.”