પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૭


"હિમાચલ અને મેનકાએ ઘણીયે એક વાત ધારી, પણ પાર્વતીનો વિચાર સિદ્ધ થયો અને સર્વેયે સંમતિ આપી."

[૧]इति ध्रुवेच्छामनुशासती सुताम्
शशांक मेना न नियन्तुमुद्यमात् ।
क ईप्सितार्थस्थिरनिश्चयं मन:
पयश्च निम्नाभिमुखं प्रतीपयेत् ।।

મ્હારાં ગુણીયલ મેના જેવાં છે, હું પાર્વતીની પેઠે તપ ઈચ્છું - મ્હારું ધારેલું કામ મ્હોટાઓ શુભ ગણે છે ! તો પાર્વતીની પેઠે હું પણ ફાવીશ જ ! માટે એ તો એ જ ! નવી ટેવનો આરંભ કરવો !"

કુસુમની કોઠડીનું દ્વાર ખખડ્યું અને તેના વધારે વિચાર અને ઉદ્‌ગાર બંધ પડ્યા.


  1. શંભુ-વર પ્રાપ્ત કરવા તપ આદરવાને જવાની આમ અચલ ઇચ્છા દર્શાવી દેનાર પુત્રીને તેના ધારેલા ઉદ્યમમાંથી મેનકા અટકાવી શકી નહી. ઈષ્ટાર્થને માટે સ્થિર નિશ્ચયવાળા મનને અને નીચા પ્રદેશમાં સરવા માંડેલા પાણીને પાછું અવળી દિશામાં વાળવાને કોની શક્તિ છે? – કુમાર સમ્ભવ.


પ્રકરણ ૧૧.
મ૯લમહાભવન
અથવા
રત્નગરીની રાજ્યવેધશાળા,
અને
મહાભારતનો અર્થવિસ્તાર
लौकिकानां हि साधूनामर्थं वागनुवर्तते ।
ऋषीणां पुनराद्यानां वाचमर्थोऽनुधावति ॥
भवभूति:

રાણા ખાચરના સત્કારને અર્થે ભરેલી સભામાં થયેલી ચર્ચાએ મણિરાજના હૃદયમાં અનેક વિચારો ઉઠાડ્યા. પોતાના પિતાની દીર્ધદષ્ટિ ઉપર, સંયમ ઉપર અને રાજ્ય-નીતિ ઉપર એની દૃષ્ટિ જતી ત્યારે એ ઉત્સાહમાં આવતો. અન્ય રાજાઓના અપભ્રંશ જોતો ત્યારે એ નિરાશ થતો હતો. ઈંગ્રેજ અધિકારીઓમાંના દુષ્ટ વર્ગની સત્તાનું પ્રાબલ્ય જોઈ એને ક્રોધ ઉપજતો. તેમાંના મૂર્ખ અને ઉન્મત્ત ભાગની ચેષ્ટાઓ