પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦

“જી મહારાજ !” જરીક સામે આવી, શિર નમાવી વિહારપુરી બોલ્યો.

“આપણે ક્યાં જઈએ છીયે ? ”

“પ્રાતઃકાળે પશ્ચિમ દિશા જોઈ અત્યારે પૂર્વ દિશાનાં શૃંગો ભણી અાપ અાવ્યા.”

“પૂર્વ દિશામાં સામે જળ જળ થઈ રહેલું આ શું દેખાય છે ?”

“આપણે ઉંચામાં ઉંચા શુંગ ઉપર છીયે, અને પર્વત અને રત્નનગરી વચ્ચે નીચામાં નીચું રેતીનું મેદાન છે તેમાં આ જળ નથી પણ મૃગજળનો સાગર છે.”

સરસ્વતીચંદ્ર વિહારપુરીનો હાથ ઝાલી અટકયો. “મૃગજળ ક્‌હે છે તે આ જ?” ઓઠ ઉપર આંગળી મુકી ફરી બોલ્યોઃ “અહીં ચારે કાંઠે ભરાઈ ગયેલા રમણીય જળના સરોવર જેવું આ સર્વ મિથ્થાજળ ?”

વિહાર૦– “હાજી, એ સર્વ મિથ્યાજળ જ ! એની પાછળ સેંકડો મૃગો ભમે છે અને તરસે મરે છે.”

નિઃશ્વાસ મુકી, નીચલો ઓઠ કરડી, સરસ્વતીચંદ્ર બોલી ઉઠ્યો: “વિહારપુરી ! રાધેદાસ ! આ મિથ્યા સંસારના પ્રતિબિમ્બ જેવા આ મિથ્યાથાજળ ભણી મને ઘડી બે ઘડી જોઈ રહેવા દ્યો – ગુરુજીના પવિત્ર ધામની યાત્રા સફળ થઈ - આ શૃંગ ઉપર સઉ બેસો.”

સઉ એ પથરાઓ ઉપર બેઠા. કોઈનો ઓઠ ઉઘડતો ન હતો. સરસ્વતીચંદ્રનાં નેત્ર મૃગજળ ઉપર ખેંચાઈ જતાં હતાં અને એના ચિત્તમાં વિચાર ઉઠતા હતા.

“મૃગજળ જેવી લક્ષ્મી ! તને મ્‍હેં તજી! આ મૃગજળ જેવી રમણીય અને એના જેવી જ મ્‍હારે મન થયલી કુમુદ ! તને પણ તજી - પણ – પણ-”

“તું ક્યાં? હું ક્યાં? હાલ આ જ અનુભવ સુખકારક છે - હું તને મનથી પણ તજીશ. આ વસ્ત્ર ધર્યાં ! આ આશ્રમ સાધ્યો ! આપણું લગ્ન થયું હત તો પણ મરણ–કાળે વિયોગ હતો. તે વિયોગ આજથી જ ! ઘણા કાળ પછી આવવાની અવસ્થાને બુદ્ધિવાળાઓ ઘણા કાળ પ્‍હેલી જુવે છે – સાધે છે – કુમુદ – ચંદ્રકાંત ! – એક જીવ અનેક જીવોનાં સુખદુ:ખનું સાધન થાય છે – હું તમને દુઃખ દેઉં છું – મરનાર પોતાની પાછળ જીવનારાઓને દુઃખ દે છે તેમ. મરનારને માથે એ દુઃખ દેવાનું પાપ નથી – આપઘાત કરનારને માથે છે; મ્‍હેં પણ એક જાતનો