પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૯

હતો. ભીષ્મપિતામહે શરશય્યા ઉપર સુતાં સુતાં ધર્મરાજને અનેક અનુભવથી ભરેલી રાજનીતિ શાન્તિપર્વમાં સમજાવી છે તેમ આ વૃદ્ધ મહારાજે આ દુ:સ્થિતિના સંબંધમાં પોતાના અનુભવ અને વર્તારા પોતાના વાનપ્રસ્થ કાળે પોતાના યુવરાજ અને તેના પ્રધાન વિધાચતુરને સમજાવ્યા હતા. જરાશંકર પણ એ કાર્યમાં એ મહારાજનું મન્ત્રીપણું કરતો હતો. એ મહારાજનું નામ અમર રાખવા કોઈ મ્હોટું ભવન બાંધવાની યુવાન વર્ગમાંથી સૂચના એક દિવસ થતાં અને તેની સંમતિ મંગાતા વૃદ્ધ મહારાજે સ્મિત કર્યું.

"વિધાચતુર, નામ કોઈનું અમર રહેલું નથી અને ર્‌હેવાનું નથી. નામ અને રૂપ એજ નશ્વરતાનાં સ્વરૂપ છે. પણ તમારી ઈચ્છાને કંઈક અનુકૂળ થવાય અને ભવિષ્યમાં જ્યાં સુધી આ રાજ્યમાં બુદ્ધિમાન્ નીતિમાન્ રાજાઓ રાજ્ય કરવા ઉત્પન્ન થાય ત્યાં સુધી તેમની બુદ્ધિને આપણા અનુભવનું કાંઈક અવલમ્બન મળે અને પ્રજા પાસેથી આ સિંહાસન પાસે આવેલું દ્રવ્ય પ્રજાને ફળે એવા વ્યયનો માર્ગ કાંઈ ક્‌હાડીશું.”

આ સૂચના પછી મલ્લરાજે રત્નગરીની રાજ્યવેધશાળા નામના ભવનની કલ્પના[૧] કરી અને યુવરાજે તેનો આલેખ[૨] કરાવી તે પ્રમાણે કાર્યસિદ્ધિ[૩] કરાવી. વૃદ્ધ મહારાજાની ઈચ્છા પ્રમાણે તેનું નામ રાજ્યવેધશાળા (એટલે રાજ્યરૂપ આકાશમાં ગમન કરનાર ગ્રહોની ગતિ આદિનું દર્શન કરવાની વેધશાળા[૪]) પાડ્યું, તેની સાથેજ યુવરાજની ઈચ્છાથી એનું નામ મલ્લમહાભવન પણ પાડ્યું અને ઉભય નામના લેખ એ ભવનના તોરણ ઉપર કોતરાવ્યા. આ તોરણુદ્વારમાં[૫] પેસતાં એક વિશાળ અને સુન્દર ઉધાનમાં જવું પડતું અનેક લતાગૃહો, કુઞ્વજવનો, તળાવ, વાવો, કુવાઓ, કુંડો, બેઠકો, ઘટાઓ, અને પશુપક્ષિના પંજરોનાં ચિત્ર જેવા સાજવચ્ચે, થઇને જતાં અન્તે એ મહાભવન આવતું.

એ ભવનમાં વૃદ્ધ મહારાજે પોતાના અનુયાયી રાજાઓના ઉપદેશ માટે વિચિત્ર યોજનાઓ કરી ક્‌હાડી હતી. અલિન્દમાર્ગમાં[૬]થી મુખદ્વારમાં પેસતાં તરત વિદુરભવન નામનો લાંબો ખંડ આવતો. એ ખંડની પાછળ બીજા પાંચ ખંડ હતા. એ પાંચ ખંડનાં નામ દુર્યોધનભવન, દુ:શાસનભવન, કર્ણભવન, દ્રોણભવન અને પિતામહભવન, એવાં હતાં.


  1. Mental design માનસિક કલ્પના
  2. Written design
  3. Execution
  4. Observatory
  5. Gate
  6. Porch, Portico, બંગલાના દરવાજા આગળ અગાશી અથવા અારકા વગેરેવાળી જગા.