પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦

આ પાંચે ખંડની હાર કૌરવશાળા નામથી ઓળખાતી. તે પાંચેનાં દ્વાર કુરુક્ષેત્ર નામના એક બીજા લાંબા ખંડમાં પડતાં, એ ખંડની એક પાસ પાંડુભવન અને બીજી પાસ ધૃતરાષ્ટ્રભવન હતાં. કુરુક્ષેત્રની બીજી પાસ કૌરવશાળાની સામે પાંડવશાળા હતી ને તેનાં દ્વાર પણ કુરુક્ષેત્રમાંજ પડતાં. પાંડવશાળાના પાંચ ખંડ નામે ધર્મભવન, ભીમભવન, અર્જુનભવન, નકુલભવન અને સહદેવભવન એવાં હતાં. એ પાંચેની પાછળ પાંચાલીભવન નામનો લાંબો ખંડ હતો અને તેમાં તે પાંચેનાં દ્વાર પડતાં હતાં.

ચંદ્રકાન્ત અને વીરરાવનાં મર્મવેધક વાક્યોને વિદ્યાચતુરે વિદુરભવનમાં ઉત્તર આપેલા હતા તેનાથી મણિરાજને તૃપ્તિ થઈ ન હતી અને મર્મવચન એના મર્મભાગને ગુપ્ત કળાથી કાપતાં હતાં. આ વેદનાના નિવારણને માટે આજ વિદ્યાચતુરે તે બે જણને મલ્લમહાભવન જોવા બોલાવ્યા હતા અને એ ભવનનાં રહસ્યનું પ્રકટીકરણ કરી એટલાથી જ તેમને તૃપ્ત કરવા અને મણિરાજને શંકારહિત કરવા વિદ્યાચતુરે કલ્પના કરી હતી. તે ઉભય ગૃહસ્થોના પક્ષપાતનું સ્થાન સરસ્વતીચન્દ્ર રત્નનગરી આવ્યો હતો ત્યારે આ ભવનમાં આવી ગયો હતો અને નવા વિચાર લેઈ ગયો હતો એ વાતથી એ ગૃહસ્થોને આ સ્થાનમાં આવવાં આકર્ષણ થયું હતું. તેમની વાટ જોઈ યુવાન મણિરાજ કુરુક્ષેત્ર ભવનમાં આતુરતાથી, હેરાફેરા કરતો હતો.

થોડીવારમાં અતિથિમંડળને લઈ વિદ્યાચતુર ત્યાં આવ્યો. કુરૂક્ષેત્રની વચ્ચે એકાસન*[૧] અને અનેકાસન†[૨] સામસામી હતાં તે ઉપર સઉ ગોઠવાયા. કેટલીક સાધારણ પૃચ્છા અને વાર્તા થયા પછી આ ભવનસંબંધે વાર્તા ચાલી. વિધાચતુરે એનો ઇતિહાસ કહી બતાવ્યો. મલ્લરાજનું હૃદય તેમાં જણાતાં વીરરાવને પણ તેના ઉપર પ્રીતિ ઉપજી.

કેવું ભવ્ય અંતઃકરણ ! ચંદ્રકાન્ત ! Look at the poetry of His late Highness's heart ! There's something stern and magnificent in his views, words, and acts ! ” વીરરાવે હૃદય ફુલાવી ચંદ્રકાન્ત ભણી જોઈ કહ્યું.

Undoubtedly 'tis so. And yet but a few days back, in this very building, you abused his fellows”.

ચંદ્રકાંત બોલ્યો.


  1. * ખુરશીઓ
  2. †બાંક, કોચ.