પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪

પાણ્ડુભવનનાં પુસ્તકો આ ભવનનાં જ વિષયને સંબંધે છે. આ પુસ્તકોમાં આ ભવનના જ સૂચવેલા વિષય વિચારાય લખાય છે, વિચારણાસન ઉપર દિવસમાં અમુક કાળે બેસવું, આ ગ્રન્થો અને લેખો વિચારવા અને વધારવા, રાજ્યમાં ઉઠતા પ્રસંગો આ ભવનના વિષયને લગતા હોય તો તે આ ભવનના જ લેખોને વશ રહી તેના જ સાધનથી વિચાર અને આચારના માર્ગ શોધવા, અને આ ભવનના લેખોની આજ્ઞાઓ પોતાથી અને પોતાના સેવકોથી કેટલી પળે છે અને કેટલી નથી પળતી તેના સૂક્ષ્મ વિચાર કરી આત્મપરીક્ષામાં જાગૃત રહેવું - એટલું કામ આ વિચારણાસન ઉપર અઠવાડીયામાં યોજેલ સમયે બેસી મહારાજ સ્થિર મનથી કરે છે. આ મહાભવનના પ્રત્યેક ભવનનો આમ વારો આવે છે.

ચંદ્રકાન્ત અને વીરરાવ અન્યોન્યના સામું જોઈ રહ્યા. અંતે કુન્તીની મૂર્તિનીચેનો લેખ વાંચવા લાગ્યા. “ધૈર્ય અને ક્ષમાની મૂર્તિ ! મહત્ દુઃખોમાં પુત્રોએ યુગના યુગ ક્‌હાડ્યા, તે કાળે ત્હેં ધૈર્ય કે ક્ષમા ખોઈ નથી. રાજ્યકાર્યને સિદ્ધ કરવા, ત્હારા પાંચ પુત્રોને પરિપાકદશામાં આણવા, અસ્તમાંથી ઉદય જોવા, જે ધર્મતપની આવશ્યકતા છે તે ત્હેં તપેલું છે. ત્હારા વિના કોઈ રાજ્યમાં પાણ્ડવોનો જન્મ નથી, ઉદય નથી, સિદ્ધિ નથી.”

આ ખંડમાંથી સર્વે બ્હાર નીકળ્યા અને જોડેના ખંડમાં ગયા. જતાં જતાં વિદ્યાચતુર બોલ્યો: “પાણ્ડુભવન રાજ્યયોગનું સાધન છે. બાકીનાં ભવન રાજ્યક્ષેમનાં છે. રાજ્યના યોગક્ષેમની એ વ્યવસ્થા છે. અલભ્યને લાભ તે યોગ-લબ્ધનું પાલન તે क्षम: अलभ्यलाभो योगः स्यात् क्षेमो लब्धस्य पालनम्. પાણ્ડુરાજાવિના રાજ્યયોગ નથી, પાંડવકૌરવાદિની યોગ્ય સંસ્થાવિના રાજ્યક્ષેમ નથી. એ ક્ષેમને માટે શુદ્ધ રાજત્વના ક્ષેત્રમાં દેવોના પ્રસાદથી ઉત્પન્ન થયલા ગુણરૂપ પાણ્ડવ છે તેનાં આ પાંચ ભવન આ પાસ છે. સ્થુલ અંધ નૃપદેહરૂપ, ધૃતરાષ્ટ્રથી જન્મેલા રાજ્યતંત્રરૂપ રાજ્યકાર્યરૂપ - કૌરવો અને તેના સહાયકોનાં ભવન પાંડવભવનોની સામે છે. રાજ્યક્ષેમના દેહમાં જ્ઞાનેન્દ્રિયના સમૂહને ધરનાર ઉત્તમાંગ – મસ્તકરૂપ – આ પાણ્ડવભવનો છે અને કર્મેન્દ્રિયના સમૂહ બાકીના દેહરૂપ આ બાકીનાં ભવન છે. કર્મેન્દ્રિયો ઉપર બળ વાપરવાનાં અધિકારિ જ્ઞાનેન્દ્રિયો જેવાં રાજ્યાવયવોમાં જયેષ્ઠ અને શ્રેષ્ઠ જે ધર્મ તે ધર્મનું આ ધર્મભવન પાણ્ડુભવનની જોડે જ રચેલું છે.

ધર્મભવનમાં યુધિષ્ઠિરની પ્રતિમા પાસે સઉ આવી ઉભા. એટલામાં વિદ્યાચતુરે આટલું દિગ્દર્શન કરાવી દીધું. 4