પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૫


વિદ્યા૦- “વીરરાવજી, આ વાત છેક ઉતાવળ કરવાથી સુઝે એમ નથી. પ્રથમ તે વ્યાસ કવિએ ઐતિહાસિક અથવા કાલ્પનિક વ્યક્તિઓના વ્યંજનકાળે તેમનામાં રૂપક ગુણનું પણ સાથે સાથે આવાહન કરેલું હોય એમાં શું કાંઈ અસંભવિતતા છે? બીજું એક વાલ્મીકિના રામચંદ્રમાંથી કેટલા કવિજને કેટલા ભિન્નભિન્ન સ્વભાવવાળા રામ વર્ણવેલા છે? એ સ્વભાવ વૈચિત્ર્યમાં શું એવા કેટલાક પરસ્પર વિઘટ્ટક ગુણો નથી કે જે સાથે લાગા એક જણમાં ન હોઈ શકે ? ખરી વાત એ છે કે મહાકવિએ કરેલી એક કલ્પનાને કાળાંતરે અન્ય કવિયો દેશકાળની અનુકૂળતા પ્રમાણ અનેક રૂપ આપે છે તેથી જ મહાકવિનું વીર્ય સફળ અને અમર થાય છે એવા કવિયોનાં કાવ્યને આત્મા આવીજ રીતે અનેક પુત્રોમાં અવતરે છે. એવા મહાકવિઓની ક૯પનાની વિભૂતિ તો આવી અનેક કલ્પનાઓના પ્રસવમાં જ છે.

[૧]"गृह्णन्तु सर्वे यदि व यथेच्छम
"नास्ति क्षतिः क्कापि कवीश्वराणाम् ॥
"रत्नेषु लुप्तेषु बहुष्वमर्त्यैः
"अद्यापि रत्नाकर एवं सिन्धुः ॥

મહાકવિનું રત્નાકરત્વ તેની પાસેથી રત્ન લેવાય અને તે રત્નોને અનેક નામરૂપ અપાય તેમાં જ છે. કાળ-મહાસાગરને તળીયેથી રત્નો શોધી વર્તમાન સૃષ્ટિમાં મુકનાર રત્નવ્યાપારીઓ તો કવિયો જ છે. એ રત્નોને. નવા ગુણ આપનાર કવિજન પણ તેમ કરવામાં નિરંકુશ હોય છે."

ત્રીજું આપણામાં જુના મુનિલોકે કાવ્યો કર્યાં અને નવા કવિલોકે કર્યાં તેમાં ભવભૂતિ એવો ફેર જણાવે છે કે નવા કવિજનની વાણી અર્થને અનુસરે છે અને મુનિજનની વાણીને અર્થ અનુસરે છે. મુનિલોકના પ્રાસાદિક ઉદ્ગાર એવા હતા કે તેમના મિતાક્ષરમાં અનેક સંસ્કારો ભરાતા અને વધતી બુદ્ધિને વધતા ચમત્કાર આપતા. તેઓ જે બીજાક્ષર મુકી ગયા છે તેમાં સૂક્ષ્મદર્શક બુદ્ધિને અક્ષરનો વૃક્ષ જડે છે. ગોલ્ડ્‌સ્મિથે તે લખ્યું કે Remote, unfriended, melancholy, slow; એમાં slow શબ્દમાં ભરાયલા અર્થસંસ્કાર સમજાવતાં એને ન સુઝ્યું તે ત્રાહીત ડાકતર જ્હાનસનને યથાર્થ સુઝયું. એ સર્વે સંસ્કાર લેખનકાલે કવિના મસ્તિકમાં અનિર્વચનીય રૂપે સ્ફુરતા હતા અને તે સર્વનો ગન્ધ slow શબ્દમાં આવ્યો. એ કાળ જતાં કવિની જ સ્મૃતિ જડ થઈ ત્યારે સત્પરીક્ષકે તે સર્વ સંસ્કારનું સ્વરૂપ એ શબ્દ


  1. ૧. પ્રાચીન