પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨

કોલાહલમાંથી હું નીચે ઉતરી પડ્યો ! પ્હેલું પાતાળ બુદ્ધિધનનો સુવર્ણપુરમાં-, બીજું એના કારભારમાં–, ત્રીજું એના–ઘરમાં, ચોથું બ્હારવટીયા અને અર્થદાસમાં–, પાંચમું જંગલમાં અને રાત્રિમાં નાગના ભાર નીચે– એ પાંચ પાતાળમાં હું ઉતરી પડ્યો– આ છઠ્ઠા પાતાળમાં આવ્યો અને મ્હારા શેષનો ભાર ઉતરવાની વાત સાંભળું છું. હવે કીયા પાતાળમાં ઉતરવાનું હશે ? મહાન્ અજગરના જેવા લાંબા અને અનેક સાંધાવાળા આ વિચિત્ર સંસારના મુખમાં હું ઉતરતો ઉતરતો સરું છું – તે કીયા પુણ્ય કાર્યને અર્થે? ગંગામાં ઉતરી પડેલાં સીતાને ભવભૂતિયે ગંગા અને વસુંધરાનાં દર્શન કરાવ્યાં. મ્હારો વિધાતા મને કેટલાં પાણી તળે ઉતારશે? મ્હારે કેઈ વસુંધરાને પ્રત્યક્ષ કરવાની હશે ?”

“અહો મૃગજળ ! અતિશય રમણીય અને ચમકતા ચળકાટ મારતા ત્હારા વિશાળ સરોવરની સપાટી ઉપર અત્યારે તો અાંખે ઠરે છે ! હું ત્હારાથી દૂર રહી માત્ર આંખોને જ ઠારું એ પણ એક ભાગ્ય જ ! અહો ! આ વસુને ધરનારી વસુંધરા !”

આ વિચાર ઉઠે છે ત્યાં ઉડતો ઉડતો એક કાગળનો કડકો એના પગ આગળ આવ્યો, તેણે એના વિચારને તોડ્યા, એ કડકો એણે હાથમાં લીધો, અને એના ઉપરના અક્ષર જોઈ એ ચમક્યો.

ચંદ્રકાંતના ઉપર લખેલા પત્રનું પરબીડીયું ! અને બુલ્વર સાહેબના અક્ષર ! – તું આ સ્થળે !”

મ્હોટે સ્વરે કહ્યું: “વિહારપુરી ! આ પત્ર અહીં કયાંથી આવ્યો હશે ?”

બે ગોસાંઈયો હાથ જોડી આગળ આવ્યા. લખેાટા પરના ઈંગ્રેજી અક્ષર તો ન સમજાયા પણ વિચારમાં પડ્યા અને રાધેદાસ બોલ્યો.

“નવીનચંદ્રજી ! બે ચાર દિવસ ઉપર આપણું મંડળ અલખ જગવવા ગયું હતું ત્યારે થોડાક ગાસાંઈઓના હાથમાં રત્નગરીથી ભદ્રેશ્વર જવાના માર્ગ ઉપરથી એક કાગળોનું પોટકું જડી આવેલું હતું તે તેમણે ગુરુજીના આશ્રમમાં આણેલું છે. એણી પાસથી ઉપર આવવાનો એ માર્ગ એટલે તેમાંથી આ પત્ર પડેલો હશે.”

વિહારપુરીઃ “એમજ. બીજી રીતે આવા અક્ષરને આ સ્થળે સંભવ નથી. જી મહારાજ ! આપને આ અક્ષરનો બોધ છે ?”

સર૦–“ હા. એ પોટકું મને જોવા મળશે ?”