પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૧


"અર્જુનમાં જેમ નીતિ અને ક્રિયા પ્રજાર્થે છે તેમ દુર્યોધનમાં નીતિ અને ક્રિયા રાજશરીરને અર્થે છે. અર્જુન રાજ્યનીતિ - Statesmanship - માં કુશળ છે તો દુર્યોધન રાજનીતિ- Diplomacy - માં કુશળ છે. રાજનીતિની ત્વરાને લીધે પાંડવનો મામો છતાં શલ્ય જેવો મહારથિ દુર્યોધનના પક્ષમાં આવ્યો. શઠવર્ગને વશ કરવાને માટે શકુનિ જેવો મન્ત્રી એણે શોધ્યો - Set a thief to catch a thief ની નીતિ આ શોધમાં વપરાઈ. કર્ણ જેવા દાતાનો આ રાજનયે સંગ કર્યો અને સર્વ શક્તિયોમાં વડી શક્તિ જે ઉદાર દાતાની તેના ફલથી મહાબળવાન કર્ણ દુર્યોધનના પક્ષમાં લ્હડ્યો. બ્રહ્મતેજ, બ્રહ્મવિદ્યા અને બ્રહ્મશસ્ત્રના સ્વામી દ્રોણાચાર્ય અને અશ્વત્થામા જેવા બ્રાહ્મણોને લોભાવી આશ્રય આપવાની નીતિ પણ દુર્યોધનની હતી. ભીષ્મપિતામહનું બળ પણ એજ રાજનીતિને વશ રહ્યું. દ્રોણ અને ભીષ્મ પાંડવના ભક્ત હતા છતાં, દુર્યોધનની નીતિએ દ્રવ્યબળથી તેમને સેવક કરી લીધા હતા. “શું કરીયે ? અર્થો વડે અમને દુર્યોધને ભરપુર કર્યા છે એટલે અધર્મના પક્ષની સેવા કરવી એજ અમારો ધર્મ થયો છે” - એ વાક્યનો આ જ્ઞાની પુરુષોને ઉદ્દાર કરવા વારો આવ્યો તે દુર્યોધનની રાજનીતિને બળે. વૈરાટનગર પાસે ભીષ્મ, દ્રોણ અને કર્ણ એકઠા મળી લ્હડ્યા ત્યારે કૃષ્ણ વિનાના એકલા અર્જુને તેમને હરાવ્યા. પણ દુર્યોધનની રાજનીતિએ તેમનાં જ કર્ણ ફુંક્યા ત્યારે એમાંના અકેકા વીરે કૃષ્ણ સાથે નીકળેલા અર્જુનને હંફાવ્યો. ભીષ્મ, દ્રોણ, કર્ણ, શકુનિ, અને શલ્ય જેવા મહારથિઓને પોતાના પક્ષમાં આટલા બળથી લઈ શકનાર આવી રાજનીતિ રાજાઓને યોગ્ય છે. પોતાના સો ભાઈઓ - ભાયાતો - ને પક્ષમાં લેઈ તેમનું પોષણ કરનાર, તેમનું બળ વધારનાર, તેમને વિદ્યા અપાવનાર, રાજનીતિ પણ દુર્યોધનની છે. ભાઈઓ ને ભાયાતો, ઘરના વૃદ્ધ, બ્હારનાં શૂર, બ્હારની વિદ્યા અને રંક ગૃહમાં પડેલું કર્ણરત્ન, એ સર્વેને શોધી આશ્રય અને પોષણ આપનાર રાજનીતિનો અધિષ્ઠતા દુર્યોધન પાંડવોથી જીતાયો તેનું કારણ યોગેશ્વર કૃષ્ણનો આશ્રય લેવાની અર્જુનની નીતિ. દુર્યોધન અને અર્જુન એક પક્ષમાં હોય તો તો અજેય જ થાય. એવી એવી નીતિના વિચારાચારનાં આસન જોડે દુર્યોધનભવનનું ભયાસન જુવો. પાંડવ અને પાંચાલીની સેવા કરવાને સ્થાને તેમનો વિરોધ કર્યો અને તેમને દુ:ખ દીધું અને રાજનીતિ પાપમાર્ગે વળી. એ રાજનય - દુર્યોધનનું મુખ્ય ભયસ્થાન. પાંડવોની યુદ્ધગીતા એવી હતી કે “युध्यध्वमनंहंकारा:” ત્યારે દુર્યોધને છેલે સુધી અહંકારને જ સ્વીકાર્યો છે અને કોઈની વાત સાંભળી નથી, એ એનું બીજું