પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૨

બીજી પાસ નાગરિકોના વિનોદ માટે રાખેલું ઉઘાડું ચોગાન – તે ઉપર દૃષ્ટિ ફેરવતો હતો. એના મનમાં ઘણી જાતના ગુંચવારા હતા. પ્રથમ એણે વિદ્યાચતુર શોધ કરશે એવી આશા રાખી હતી. બ્હારવટીયા, કુસુમના સમાચાર, સામંતનો મંદવાડ આદિ અનેક વિધ્નોએ આ આશાને ખોટી પાડી. જાતે શોધવા જવા ચંદ્રકાંતે નિશ્ચય કર્યો ત્યારે ગુણસુંદરીના સ્નેહવ્યંજક શબ્દોએ એને શીતળ કર્યો, પણ ધારેલા શોધમાં કાંઈ પણ વધારો ન થયો. કાલ વિદુરભવનની સભામાં તો આજ કુરુક્ષેત્રની આસપાસનાં ભવનોમાં સરસ પણ પોતાના શોધમાં નિરુપયોગી ચર્ચામાં કાળક્ષેપ થઈ ગયો. સરસ્વતીચંદ્રના ઉપર આટલો સ્નેહ દેખાડનાર ગુણસુંદરીપાસે શી રીતે ક્‌હેવું કે હવે મને એકલો જવા દ્યો અને તમારા સાહાય્યની મ્હારે અપેક્ષા નથી ? આ પ્રશ્નોએ ચંદ્રકાંતને મધુર ગુંચવારામાં નાંખ્યો, અને પાઘડીનીચે હાથ ઘાલી માથું પંપાળતો પંપાળતો તે ચારે પાસ શોધવા લાગ્યો કે ચારે પાસની જડ અને ચેતન સૃષ્ટિમાંથી કાંઇ સૂચના કે સમાધાન મળે છે.

પોતે ફરતો હતો તે કોટના અગ્રભાગે બુરજના આકારની મેડીયો હતી તેમાં ગુણસુંદરીને બેસવાની શાળાઓ હતી અને નીચે કુસુમનો લતામંડ૫, જળકુંડ વગેરે હતાં. ત્યાંથી તે કોટના બીજા છેડા સુધી માત્ર અનેક વૃક્ષોના શિખરભાગ અને વચ્ચે વચ્ચે ભૂમિકાઓ દેખાતાં હતાં. કોટની બીજી પાસ ક્ષિતિજમાં રત્નનગરીનો કોટ અને તેનાથી ઉંચા પ્રાસાદો-મ્હેલો-ના ઉપલા ભાગ દેખાતા હતા. ઉદ્યાન અને નગરના કોટ વચ્ચેના ચોગાનમાં અનેક લોક આવ જા કરતા હતા. ગામડાંથી આવેલા અનેક વ્યાપારીઓ હાટ માંડી બેઠેલા હતા, અથવા તો ધાન્યાદિક વેચવાના પદાર્થ ભરેલાં ગાડાં વચ્ચે વચ્ચે છોડી રાખી દલાલો સાથે અને નગરના વ્યાપારીઓ સાથે મ્હોટે સ્વરે ભાવ ઠરાવતા હતા. વણઝારાની પોઠો, ઉંટ, ઘેાડા, ઢોર, અને ઘેટાં બકરાંના વ્યાપારીયો પોતાનાં સ્થાન જમાવી ઉભા અથવા બેઠા હતા. બંદરી માલની ખપત તથા આપલે પણ આ સ્થાને થતી હતી. વચ્ચે વચ્ચે ભીખારીયો, સાધુઓ, ફકીરો અને બ્રાહ્મણો જુદા જુદા રાગ ક્‌હાડી, જુદા જુદા ઉચ્ચાર કરી ઉદરપૂર્તિ પામવા ફરતા હતા. એ સર્વ ચિત્ર વચ્ચે દરબારી દોરથી અથવા રાજકીય સત્તાના ચિન્હથી અથવા પટાવાળાઓના પરિવારથી અધિકારીઓ જણાઈ આવતા હતા અને આવજા કરતા હતા.

ચંદ્રકાંતની દૃષ્ટિ આ સર્વ ઠાઠઉપર ફરી ફરી ફરી વળતી હતી. "શું