પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૫

સરસ્વતીચંદ્રના સંબંધમાં કાંઈક લખેલુ છે તેથી આપને જોવા મોકલ્યો છે.

ચંદ્રકાંતે પત્ર લીધો. વાંચ્યો. ગંગાએ પોતાના ઉપર પત્ર લખેલો પણ ઉપર ચંદ્રકાંતનું નામ લખવું રહી ગયેલું અને પ્રધાનનું નામ હતું તેથી પત્રની આ દશા થઈ. તેમાં લખાણ ટુંકું જ હતું.

"મને મંદવાડ છે પણ તમે એમના એમ પાછા આવશો તે મને ઠીક નહી પડે. તમારાં ઘરમાં સર્વને એમ છે કે સરસ્વતીચંદ્ર મરે કે ન જડે તો તમારા ઘરમાં પઈસો આવે. મ્હારા મંદવાડને બ્હાને તમને બોલાવવા કાગળ લખે છે તે આ જ મતલબથી. પણ એવો પઈસો આવેલો એ સઉ ખાઈ જશે ને તે નહી ર્‌હે તમારી પાસે ને નહી રહે સરસ્વતીચંદ્ર પાસે. સરસ્વતીચંદ્ર જડશે તો જેટલા તે આપણા છે એટલાં તમારા ઘરનાં આપણાં નથી. માટે ખોટાં સગાનું માનશો નહીં ને ખોળો છો તેને ખેાળજો. ધુતારાલાલનાં માણસ તમારા ઘરમાં આવે છે, જાય છે ને લાંચ લાલચો આપે છે. મ્હારું નામ દેઈ બોલાવે તો છેતરાશો નહી ને આવશો નહી. મને મંદવાડ છે ને મરીશ તેનું મને દુ:ખ નથી. કારણ તમારા ઘરમાં સુખ દીઠું નથી ને દેખવાનું નથી, પણ હું મરીશ તો સરસ્વતીચંદ્ર મ્હારાં છોકરાનું કલ્યાણ કરશે ને તમારા ઘરમાંથી છુટી છોકરાં તેને હાથ જશે. માટે મ્હારા મરવાની ચિંતા ન કરતાં સરસ્વતીચંદ્રનો જ સ્વાર્થ રાખજો."

ચંદ્રકાંતને પરસેવો થઈ આવ્યો ને કપાળપર તેનાં ટીપાં ઉભરાયાં; પણ ઓઠ કરડી થયેલો વિકાર બીડી રાખી મુખપર આવેલો ભાવ પાછો ખેંચી લીધો. પત્ર ખીસામાં મુક્યો ને મુકતાં મુકતાં બોલ્યો.

"આ પત્ર મ્હારા ઉપર છે. તેનો સાર કોઈ વેળા સમજાવીશ. હાલ તો આપે જે ઉપકાર કરવા ધારેલો છે તે કરો."

પ્રવીણ૦– બહુ સારું, પ્રધાનજીને સર્વ વાત વિદિત કરી આપને સંદેશો મોકલીશું.

બે જણ ગયા, ચંદ્રકાંતના ક્ષોભનો પાર રહ્યો નહી. અાણી પાસ ઉદ્યાન અને પેલી પાસ વસ્તીનો તરવરાટ–કશામાં એનું મન ગયું નહી. એટલામાં આધેના કોલાહલમાં અનેક અવ્યક્ત, મિશ્ર અને મ્હોટા સ્વર નીકળતા હતા તે વચ્ચેથી એક ઉચ્ચ સ્વરે ગાયેલી સાખી ચંદ્રકાંતના કાનના પડદા સાથે અથડાઈ.

“જડ જેવો દ્રવતો શશી,
“સ્મરી રસમય શશિકાંત.”