પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
256


આ શબ્દો કાનમાં પ્હોંચતાં તે ચમક્યો અને ઉધાનની બ્હાર સ્વર બોલનારને શોધવાને તેનાં નયન સહસા વળી ગયાં.



પ્રકરણ ૧૩.
તારામૈત્રક.

જે પ્રાતઃકાળે ભક્તિમૈયા અને અન્ય સાધુજનના સાથમાં કુમુદસુંદરી સુંદરગિરિ ઉપર જવા નીકળી તે જ પ્રાતઃકાળે સરસ્વતીચંદ્ર વિહારપુરી અને રાધેદાસના સાથમાં સુરગ્રામ અને સમુદ્રતટ જોવા પર્વત ઉપરથી નીચે જવા નીકળ્યો.

સુન્દરગિરિનું પશ્ચિમ અંગ આ કાળે વિચિત્ર રમણીયતા ધરતું હતું, પર્વતની આનતિ[૧] શિખરથી ભૂમિસુધી ધીમે ધીમે થતી હતી અને પ્હોળાં પગથીયાવાળા મ્હોટા આરા પેઠે સમુદ્રના તટ સુધી ગોઠવાયલી લાગતી હતી. એ આરાનો નીચેનો ભાગ, કેટલાંક સ્થાન આગળ સુરગ્રામસહિત, દૃષ્ટિમર્યાદાની નીચે ડુબી જઈ આગળ નીકળી આવતા ખડકો નીચે ઢંકાયેલો હતો, અને આરાના નીચલા ભાગ સાથે સમુદ્રના મોજાં અથડાતાં હોય એમ ઉપર ઉભેલાને લાગતું. ચિત્ર વિચિત્ર વૃક્ષોની ઝાડીઓ, લીલાં અને સુકાં ઘાસનાં જંગલ, વચ્ચે વચ્ચે ઉઘાડાં કાળાં માથાંવાળા ખડકો અને તેની અણીયાળી શિખાઓ, અને અનેક ન્હાના મ્હોટા સર્પ જેવા અને કંઈક દેખાતા ને કંઈક ન દેખાતા વાંકાચુકા રસ્તાઓ, - એ સર્વ પદાર્થ તીર્થવાસી બ્રાહ્મણોના સાથરાઓ પેઠે અને તેમની સામગ્રી પેઠે આરા જેવા ઢોળાવ ઉપર પથરાયલા હતા.

આ બધો ભાગ પશ્ચિમ દિશાનો હતો અને ચૈત્રમાસની વાદળાં વગરની રાત્રિને અંતે સૂર્ય ઉગ્યા પ્હેલાં તેના કિરણ પૂર્વમાંથી ચ્હડી પર્વતના શિખર ઉપરથી પશ્ચિમમાં ઉતરતા હોય એવો મન્દ આભાસ થતો હતો. આકાશ સ્પષ્ટ કેવળ ભુરું અને ડાઘા વગરનું હતું અને છેલામાં છેલો તારો અસ્ત થઈ ગયો હતો. સૂર્ય, તારા અને વાદળાં – એમાંના કંઈ પણ પદાર્થવગરનું, નીચેના સમુદ્રનાં મોજાં કે પ્રતિબિમ્બશક્તિ કે પ્રવાહકર્મ વગરનું, કરચલી વગરની મ્હોટી ભુરા વસ્ત્રની છત જેવું આકાશ હતું. તેને એક છેડે સમુદ્રપારની દૃષ્ટિમર્યાદાનો મ્હોટો તટ હતો અને બીજે છેડે


  1. ૧. ઢોળાવ, incline, gradient.