પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૭

પર્વતના શિખર આગળનો ઉંંચો તટ હતો પૃથ્વીના શિખરગૃહ[૧] જેવા આ બે તટ વચ્ચે, ગયેલી રાત્રિના અંધકારને સ્થાને, રંકજનયોગ્ય અને સાદી પણ સુન્દર ચળકતી છત ઈશ્વરે આમ અત્યારે ચ્હડાવી દીધી હતી તે કાળે સાધુજનોના સથવારામાં કુમુદસુંદરી અર્ધો ઢોળાવ ચ્હડી ગઈ હતી, અને માર્ગની આશપાશની શિલાઓ ઉપર એ અને સર્વ સ્ત્રીઓ વિશ્રાન્તિ લેવા વાતો કરતી બેઠી હતી.

પર્વત ઉપર જવાના આ માર્ગનો આ સ્થાને મ્હોટો વાંક[૨] પડતો હતો, અને આ મંડળ એવે ઠેકાણે બેઠું હતું કે ઉપરથી ઉતરનાર છેક ત્યાં આગળ આવે ત્યાં સુધી એમને દેખે નહી પણ નીચે જનારના ઉપર ત્યાંથી ઘણે છેટે સુધી દૃષ્ટિ જાય. માર્ગમાં ઠેકાણે ઠેકાણે તર-સ્થાન[૩] હતાં. કેટલાંક તર-સ્થાન માર્ગની બે પાસે હતાં; કેટલાંક માર્ગના બેટની પેઠે આવી ર્‌હેતાં, કેટલાંક તરસ્થાન ગોળ અથવા લાંબા ઓટલા પેઠે ચણેલાં હતાં, પ્રસ્તુત તરસ્થાને માર્ગની બે પાસ શિલાઓ નાંખી હતી, એ તર-સ્થાન, વિશ્રામસ્થાન અથવા વીસામા ઉપર થાકેલા વટેમાર્ગુ થાક ઉતારતા.

કુમુદસુંદરી અર્ધો પર્વત ચ્હડી આવી હતી, પણ પ્રાતઃકાળના મધુર ઉત્સાહક[૪] પવનને બળે તેમ હૃદયના ઉત્સાહક પ્રસંગને બળે એને પડેલો અપરિચિત દીર્ધ શ્રમ જાણે તે અનુભવતીજ ન હોય તેમ સઉં સાથે વાર્તાવિનોદમાં ભળી જતી હતી. એના સુંદર ગાલ ઉપર આવેલી રતાશ, એના હાથ પગની અસ્વસ્થ શિથિલતા અને આંગળાનું ઘડી ઘડી વળવું, એના ઉરઃસ્થલ ઉપરના વસ્ત્રનો કંપ, એના અટકતા બોલ અને તેને ઘડી ઘડી અટકાવનાર શ્વાસ, એની સંકોચાતી આંખો, ભ્રૂભંગ અને કપાળની કરચલીઓ, અને એનાં વસ્ત્ર તથા કેશભારની કંઈક અવ્યવસ્થા, આ સર્વ એના શારીરક શ્રમના પરિણામ હતા કે એનો ઉત્સાહિત મનોરથે પ્રેરેલા ચાઞ્ચલ્યનાં કાર્ય હતાં તેનો નિર્ણય કરવો કઠણ હતો. વાસ્તવિકરીતે અર્ધી વાત આ ખરી હતી અને અર્ધી બીજી પણ ખરી હતી, પણ સૂક્ષ્મ વિચાર કરી જાણનારને જ આ બે અવસ્થાઓનું મિશ્રણ સમજાય એમ હતું.

સર્વ સાધુ સ્ત્રીઓ વચ્ચે એકલી કુમુદસુંદરી રૂપથી, વસ્ત્રથી, અને અલંકારથી જુદી પડતી હતી. ભક્તિમૈયા ઉંચી, પ્હોળી, કાળી, અને કદ્રૂપી


  1. ૧. માળીયું, રજોટીયું, કાતરીયું, Loft.
  2. ૨. વળવું, વાંકું થવું, curve.
  3. 3. માર્ગ “ઉતરવાનાં” સ્થાન, landing places, ચ્હડતાં ઉતરતાં બેસવાની જગાએા
  4. ૪. Bracing.