પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

“વિહારપુરીજી, આ કવિતા હું મ્હારે અક્ષરે લખી આપીશ એટલે વાંચનારને વિશેષ અભિજ્ઞાન થશે.”

વિહારપુરી તૃપ્ત પ્રસન્ન થયો તે પણ એના મુખ ઉપરથી દેખાયું, “તમે આટલી વ્યવસ્થા કરો – હું પાછળ આવું છું ” એટલા શબ્દો સરસ્વતીચંદ્રના મુખમાંથી નીકળતાં જટાધરો ઉઠ્યા, ચાલ્યા, અને પળવારમાં પર્વતના ખડકો અને ઝાડોમાં મળી જઈ અદૃશ્ય થયા.

અત્યારે પાછલા પ્હોરના ચાર વાગ્યા હતા, સૂર્ય પર્વત ઉપરનાં ઝાડો પાછળ અદૃશ્ય થયો હતો, અને તેના મધ્યાન્હની ભભકમાંથી મુકત થયેલા પર્વતની પૂર્વ દિશાનો નીચો પ્રદેશ દીર્ધ છાયાના પટઉપર વધારે સ્પષ્ટ થયો હતો. ખડકને અઠીંગી સરસ્વતીચંદ્ર ઉભો થયો ત્યાં આ વિશાળ પ્રદેશ ઉપર તેની દૃષ્ટિ પડી. એક પાસ મૃગજળ, આસપાસ વનની ઘટા, વચ્ચે વચ્ચે રસ્તાઓની રેખાઓ, તળાવોનાં કુંડાળાં, અને સ્ત્રીયોનાં વસ્ત્રોની કોરો જેવી સ્થળે ઉઘાડી સ્થળે ઢંકાયલી નદીઓ : એ સર્વ ચિત્રોથી ભરેલા પટ ઉપર દૃષ્ટિ પડતાં સરસ્વતીચંદ્રની આંખ ચમકી અને અઠીંગણ મુકી દેઈ તે બોલ્યો.

“Woods over woods in gay theatric pride !” ” વળી થોડી વાર રહી બોલ્યો–

“Amidst such stores shall thankless pride repine?" વળી અટકી બોલ્યો.

“Creation's heir, the world the world is mine !”[૧]

શેતરંજની બાજી જેવા પટ ઉપર પડેલાં મ્હોરાંઓ પછી મ્હારાંઓ ગણતાં ક્ષિતિજભાગમાં રત્નનગરીના મ્હેલો અને બુરજોના શિખરભાગ, સ્ત્રીની કંચુકીની બાંય ઉપર રંગેલાં અને ભરેલાં ટપકાં જેવા જણાવા લાગ્યા અને ત્યાં આગળ દૃષ્ટિ અટકી. દ્રષ્ટિ અટકતાં તર્કરાશિ વિશ્વકર્મા પેઠે સૃષ્ટિ રચવા ઉભો થયો.

દક્ષિણમાંથી કુમુદસુંદરી અને ઉત્તરમાંથી વિષ્ણુદાસની પ્રતિમાઓ ચાલી આવી અને સરસ્વતીચંદ્રની બે પાસ વિહારપુરી અને રાધેદાસની પેઠે ઉભી રહી. તે પ્રતિમાઓનાં મુખમાંથી તેમના જેવા કંઠથી વારાફરતી સ્વર નીકળવા લાગ્યા.


  1. B. Goldsmith,