પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૯


"વામની, ત્હારા હાથ-પગના જેવો મ્હારા હાથ-પગમાં દોષ નથી. માટે ત્હારું કામ મને કરવા દે": ભક્તિમૈયા હસતાં હસતાં વામનીના હાથ ખસેડી જાતે પગ ચાંપવા લાગી.

વામની આધી ખસતી ખસતી બોલી: "સંપૂર્ણપણે દોષ દૂર કરવો હોય તો તમે પણ ખસો અને સ્થાને મોહની મૈયાને બેસવા દ્યો કે સુન્દરને સુન્દરતાનો યોગ થાય."

શ્યામ પણ રૂપવતી મોહની કુમુદની પાસે બેઠી અને ભક્તિ ખસી. ખસતાં ખસતાં હસી અને બોલી.

"સત્ય વચન તો પાળવું જોઈએ તે પાળું છું, પણ આ બેમાં સુન્દર કોણ અને સુન્દરતા કોણ ?"

વામની અને ભક્તિ ઉભય કુમુદ અને મોહની સામે એક ટશે જોઈ રહ્યાં અને તેમની કીકીઓમાં વિનોદક હાસ્ય રમવા લાગ્યું.

આપણને મધુરી મૈયા સુંદર લાગે છે માટે તે સુન્દર. એનું રૂપ જેવું સુન્દર છે તેવા જ એના ગુણ સુન્દર છે માટે તે સર્વનો આત્મા પણ સુન્દરતારૂપ જ હોવો જોઈએ, માટે સુન્દર પણ એ અને સુન્દરતા પણ એ જ. એનું લખરૂપ સુન્દર અને અલખ આત્મા સુન્દરતા. કેમ બંસરી મૈયા ? કુમુદના હાથના કમળનાળ જેટલા બળથી ન અટકતાં તેના ચરણ ચાંપતી ચાંપતી મોહની બીજી રૂપવતી બાવીને પુછવા લાગી. પુછતાં પુછતાં એના શાંત પ્રેમનું લાવણ્ય એના મુખ ઉપર સ્ફુરવા લાગ્યું.

ભક્તિ૦– બાકીના માર્ગમાં એને આપણે તેડી લઈશું.

કુ૦- મૈયા, એ તો અઘટિત જ થાય. તમ સાધુજનને એવી રીતે ભારરૂપ હું નહીં થઈ પડું. હું ધીમી ધીમી જાતે જ ચ્હડીશ.

બંસરી બીજી પાસથી કુમુદને ભેટી પડી તેને છાતી સરસી ડાબી ચુમ્બન કરતી કરતી બોલી.

"મધુરી ! માજી તને યદુનન્દનના ધામમાં મોકલે છે તે પુણ્યકાર્યમાં તને આશ્રય આપવો એ તો અમ અલખના જોગીકુળમાં અમારું પોતાનું જ પુણ્યબીજ રોપાતું જોવાનો માર્ગ છે, સાંભળ–

“સાધુ સાધુનો સંગ કરીને
અલખ પ્રભુને પામે રે
અલખ પમાડી જગાડે તેને
લખ ચોર્યાશી ના'વે! - શુણ, મેરી મૈયા, તું !”