પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૫

વૃક્ષ ઉપર ઉગતી ન્યારી ન્યારી કુસુમકલિકાઓ છે. તેમના રંગ અને સુવાસ ન્યારા છે પણ તેમનો પરસ્પર સહચાર અનેક ધર્મનો ધરનાર અને અનેક ફલનો દાતાર થાય છે. એ સહચારનું મધુરમાં મધુર સ્વરૂપ તમે સાધો એવો અમારો આશીર્વાદ છે.”

મોહની૦– એવું સુન્દરમાં સુન્દર સ્વરૂપ તમે સાધો એવી મ્હારી આશિષ છે.

ઉભય સુન્દરીઓને સરસ્વતીચંદ્રે માત્ર મસ્તક નમાવી મન્દ સ્મિત વડે ઉત્તર આપ્યો – આભાર માન્યો.

વામની હસતી હસતી બોલી : “વિહારપુરી, દક્ષિણામૂર્તિ પેઠે મૌન ધારી સ્મિત કરતા આ અતિથિનો અને સુન્દરગિરિનો સહવાસ કેટલો ધાર્યો છે? ગિરિરાજના કીયા શૃંગ ઉપર અને કીયા ધામમાં એમનો નિવાસ કલ્પ્યો છે ?”

રાધે૦- વામનીમૈયા, શ્રવણમનન કરતાં અતિથિના મનમાં સુન્દરગિરિ સુન્દર ભાસે ત્યાં સુધી એ બેનો સહવાસ છે, હાલ તો એ ગુરુજીના અંતેવાસી [૧]છે. કાળક્રમે અનેક શૃંગોમાંથી જે ધામ ઉપર એમને પક્ષપાત થશે ત્યાં એ વસશે.

વામની – પણ એમના સ્વકંઠમાંથી કોઈ શબ્દનો ઉદ્ગાર અમને લખ થઈ શકશે કે નહી ? સહવાસ એમની ઇચ્છા ઉપર ગુરૂજીએ રાખ્યો તે ઉચિત છે. પણ એમની ઇચ્છા જાણવી તો બાકી રહી.

સરસ્વતીચંદ્રને હવે ઓઠ ઉઘાડ્યા વિના છુટકો રહ્યો નહી. તેનાં નેત્ર કુમુદભણી તણાતાં હતાં, હૃદય અંતર્માં ને અંતર્માં જ વળતું હતું, છતાં ભૂમિકાને ઉચિત વેશ ભજવવો એજ ઉચિત થયું. નેત્ર વશ કરી તે ધીમે ધીમે સ્મિતપૂર્વક બેાલ્યો.

“અલક્ષ્યના ભક્તિયોગમાં મગ્ન આર્યાઓ બોલાવશે ત્યારે આ શરીરને બોલવામાં જ સુન્દરતા લાગશે. સાધુજન ! ગુરુજીએ આ શરીરને જીવનનું દાન કરેલું છે ત્યારથી એ શરીર તેમની ઇચ્છાને જ વશ છે. આ ગિરિરાજ જેવો નામમાં અને દર્શનમાં સુન્દર છે તેવીજ એની જડ ચેતન સર્વ સમૃદ્ધિ સુન્દર છે. તે સર્વે સુન્દર વસ્તુઓમાંથી અને સુન્દર સ્થાનેમાંથી કોનો કેટલો સહવાસ મને આપવો એ વિચાર ગુરુજી જ કરશે અને તેમની વૃત્તિ તે જ મ્હારી પ્રવૃત્તિ સમજવી.”


  1. ૧. પાસે વસનાર, શિષ્ય.