પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ર૬૬


વામની૦– વાહ, વાહ, નવીનચંદ્રજી, સુન્દર છો અને સુન્દર બોલો છો.

ભક્તિ૦– એવું સુન્દર બોલો છો કે તે સુન્દરતાથી લેવાયલી વામનીને પોતાના પ્રશ્નના ઉત્તરમાં કાંઈજ મળ્યું નથી, છતાં બધું મળ્યું હોય તેમ તૃપ્ત થઈ ગઈ. સુન્દરતાનો પ્રભાવ એવો જ લખ થાય છે. વારું રાધેદાસ, તમે સુરગ્રામમાં રાત્રિ ગાળવાના છો કે ગિરિરાજ ઉપર ? આ પ્રશ્નનો ઉત્તર આપવો તે તો તમારા હાથની જ વાત છે.

રાધે૦- તમે હાર્યાં. એ બે શીવાય ત્રીજું સ્થાન શું રાત્રિ ગાળવાને માટે નથી ?

સ્મિતપૂર્વક શરીર ઉછાળી વામની બોલી – “હા ! હો ! એ તો ભક્તિમૈયા ભુલ્યાં. ચન્દ્રાવલીનાં માજી વિહારપુરીના હૃદયમાં ઉતરે તો એ ત્રીજું સ્થાન ખરું.”

સર્વ સાધુ સ્ત્રીઓ સ્મિત કરવા લાગી. વિહારપુરી ગંભીર થઈ બોલ્યો – "રાધેદાસ, સુંદરતાના વિવાદમાં સ્ત્રીજન જીતે એ સ્વાભાવિક છે. એ વિવાદમાં પડવું એ આપણા ધર્મનો અતિક્રમ કરાવે એવો માર્ગ છે. એ છોડી આપણે અતિથિને લઈ માર્ગે પડીએ એ જ હવે વધારે ઉચિત છે.”

વામની૦- સુંદરગિરિ ઉપર ચરણ મુકી સુન્દરતાનો તિરસ્કાર કરવો એ કૃતઘ્નતા છે.

વિહર૦- સત્ય છે. માટે જ સુંદરતાનો પૂર્વપક્ષ સુંદરીઓની પાસેથી શ્રવણ કરવાનું રાખી અમે કર્કશ પુરુષો તેનો ઉત્તર પક્ષ છોડી દઈએ છીએ. વામની મૈયા, દિવસ ચ્હડશે અને ભગવાન સૂર્યનારાયણ તપશે અને શિલાઓને તપાવશે ત્યારે બીજા કોઈના ચરણને નહીં તો જે પુષ્પલતાને લેઈ તમે જાવછો તેને કરમાવી નાંખશે માટે હવે આપણે પોતપોતાને માર્ગે પડીએ.

'પુષ્પલતા' શબ્દ ઉચ્ચારતાં કુમુદ ભણી આંગળી કરી. સ્ત્રીમડળની દૃષ્ટિ એણી પાસ ગઈ અને દૃષ્ટિ જતાં એનું મ્લાન વદન સૌને ચિંતાનું કારણ થઈ પડ્યું. પુરુષો સાથેનો વિનોદ મુકી સર્વ કુમુદ ભણી વળ્યાં, તેએા તેમ જતાં યદુનંદનની ગર્જના કરતા ઉભય સાધુઓ અતિથિને લેઈ માર્ગે પડ્યા.“જી મહારાજ,આ માર્ગે નહી – આણી પાસ” - કરતા કરતા સાધુઓ અદૃશ્ય થયા. તેમની પાછળ ચાલતા સરસ્વતીચંદ્રના નેત્રેન્દ્રિયના મૂળ આગળના તંતુ કુમુદ ભણી સ્થિર રહ્યા, પણ નેત્રની બાહ્ય કીકીઓ માર્ગની