પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૫


સુરગ્રામની વસ્તી એવી ન હતી કે આ સર્વ રચના ઉભી કરી શકે. પણ એક કાળે આ સ્થાને મ્હોટું તીર્થ હતું તેવામાં ઘણે છેટેથી આવનાર દ્રવ્યવાન્ યાત્રાળુઓની વાસનાઓએ આ ઠાઠ ઉભો કરેલો હતો. એ ઠાઠ વચ્ચેનો માર્ગ સાંકડો પણ સ્વચ્છ હતો. માણસની દશા બદલાય છે તેમ આ સ્થાનને પણ વારાફેરા અનુભવવા પડ્યા હતા. યાત્રાળુઓની મ્હોટી ભીંડનો અને મ્હોટા મેળાઓનો કાળ ગયો. પછી તીર્થ ગોઝારા જેવું થયું. વળી મલ્લરાજના સમયમાં તેનો જીર્ણોદ્ધાર થવા લાગ્યો. વચ્ચે આ દ્‌હેરાંઓ ઉપર લીલોતરી ઉગી હતી, અને લીલ બાઝી હતી, અને લુણો લાગ્યો હતો, તેને સ્થાને આજ સર્વ સાફ અને ધોળાવેલું હતું. માર્ગમાં પ્રથમ ઘાસ ઉગતું અને પથરાઓ નડતા તેને સ્થાને હવે ઘાસનું નામ દેખાતું ન હતું અને સટે સાફ બાંધેલા માર્ગ હતો. દ્હેરાંઓ પાસે કાગડા ઉડતા હતાં તેને સ્થાને બીજાં પક્ષીઓ જણાતાં હતાં. કુવાઓનાં થાળાં ભાગેલાં અને પાણી ગંધાતાં હતાં ત્યાં નવાં થાળાં અને મીઠાં નિર્મળ પાણી થયાં.દ્‌હેરાંનાં ભાગેલાં પગથીઆાં નવાં સમાં કરાવેલાં તેમાં વચ્ચે વચ્ચે દાણા વેરાયલા જોવામાં આવતા હતા તેથી શ્રદ્ધાળુ સ્ત્રીઓનો પગસંચાર જણાતો હતો. જુની નીશાનીમાં માત્ર એટલું જણાતું હતું કે લીમડા, પીપળા, વડ વગેરે પવિત્ર વૃક્ષાએ દ્હેરાંઓની ભીંતોમાં, ઘુમટમાં, અને નળીયાંમાં પોતાની શાખાએ પેસાડી દીધી હતી. તેને કાપી નાંખવાનું કામ વૃક્ષમાં પણ જીવ ગણનાર દયાળુ વસ્તીને ગમ્યું ન હતું, અને જેમ અનેક પ્રાચીન આચારને આપણે પ્રીતિથી આપણી આશપાશ વીંટાવા દેઈએ છીએ તેમ આ પ્રાચીન ડાળાંઓ અને પાંદડાઓને પણ દ્‌હેરાંઓની આશપાસ નીરાંતે વીંટાઈ ર્‌હેવા દીધાં હતાં. આ સર્વે કથા મ્હેતાજી અને સરસ્વતીચંદ્ર વચ્ચે માર્ગમાં ચાલતી હતી અને સાધુઓ તેમની પાછળ પાછળ અનુચર પેઠે પણ છાતી ક્‌હાડી બેાલ્યા ચાલ્યાવિના ચાલતા હતા. દ્‌હેરાંઓને શાખાઓ નીરાંતે ગમે ત્યાં વળગેલી જોઈ સરસ્વતીચંદ્ર બોલ્યો:

“મ્હેતાજી સાહેબ, આર્યોનાં ચિત્તની કોમળતા મનુષ્યજાતિનું રક્ષણ કરી પુરી થતી નથી. પશુપક્ષીને સંભાળી રાખી સંતોષ પામતી નથી પણ વૃક્ષ જીવનનું પણ આ પોષણ કરે છે. તેમાં તેમની ભુલ હશે પણ એ ભુલ પણ માહાત્મયની છે, આવાં કોમળ હૃદયવાળા મહાત્માઓની ભૂમિમાં જન્મ લીધાનું અભિમાન આ દેહથી છુંટતું નથી. એવા કોમળ મહાત્માઓનાં ચિત્ર પ્રત્યક્ષ કરાવતી આ રચના ઉપર પ્રીતિ થાય છે. વિહારપુરી !”