પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૭


પૂજક વર્ગને માટે અને તેમના સેવકોને પોતપોતાના કામમાં ઉપયોગી થાય એવી એારડીઓ કરી હતી. મંદિરના આગલા મંડપને ત્રણ પાસથી કમાનોવાળા અને કમાડ વગરના ઉંચા દરવાજા હતા. તેની વચ્ચે આરસનો ચોક ને ઉપર ઘુમટ હતો. પાછળ ગર્ભાગાર હતું ને તેમાં સિંહાસન હતું. જોડે શય્યાખંડ તથા જલગૃહ વગેરે રચના હતી.

ન્હાનપણથી મુંબાઈ અને ઈંગ્રેજી અભ્યાસના જ પરિચિત પુરુષને આ દેખાવ નવીન લાગે તે પ્હેલાં તો અંદર હરતા ફરતા તથાં બેઠેલા ભક્તમંડળનાં ગાનકીર્તન એના કાનના પડદા સાથે અથડાવા લાગ્યાં અને એના હૃદયના નિત્ય સહવાસી સંસ્કારોને અદૃશ્ય કરી તેને સ્થાને ચ્હડી બેઠાં.

એક વૃદ્ધ પણ બળવાન બાંધાવાળી સ્ત્રી કોટમાં પાળીયા પાસે સાથરો નાંખી બેઠી હતી અને પોતાની જંઘા થાબડતી થાબડતી અને શરીર આગળ અને પાછળ વીંઝતી વીંઝતી ગાતી હતી.

“જાવું છે, જી, – જાવું છે – જાવું છે જરુર ! (ધ્રુ૦)
કાયા ત્હારી કામ ન આવે, ઝાંખું થાશે નુર;
એવા સરખા આથમી ગયા ઉગમતા અસુર ! જાવું૦
મ્હોટે ઘેર હાથી ધોડા હળ અને હઝુર,
એવા સરખા વહી ગયા – નદીયોનાં પૂર ! જાવું૦
રહ્યા નથી, ર્‌હેશે નહી, રાજા ને મજુર ;
એવા સરખા ઉડી ગયા – આકડાનાં તુર ! જાવું૦
એકી સાથે જમતા હતા દાળ ને મસુર !
દાસ જીવણ ક્‌હે, કર જોડી, “ભજી લ્યો ભરપૂર !” જાવું૦

જીવન અને મૃત્યુનો વિચાર સરસ્વતીચંદ્રના મનોરાજ્યમાં એકદમ ખડો થયો. ડોશી ગાઈ રહી તેની સાથે તેના સાથરા ઉપર રુપીયો રાંટો નાંખવાને હાથ ખીસું ખેાળવા લાગ્યો. અંચળાને ખીસું નહી અને રુપીયો તો સ્વપ્નમાં જ હાથે રહ્યાં. ઉદાર હાથે નિરાશ થઈ પાછો ફર્યો અને હૃદયના એક ભાગે બીજાને પુછવા માંડ્યું – “આવું સંસ્કારરત્ન આપનારી આ સ્ત્રીને બદલામાં આપવાનું દ્રવ્ય તે હવે મ્હારી પાસે ન મળે ! હાથ ધરીને કંઈ પ્રતિગ્રહ ન કરનારો હું – તે મ્હારું હૃદય સંસ્કારનો પ્રતિગ્રહ વગર પુછ્યે કરે છે. અથવા બ્રાહ્મણનું હૃદય જ્ઞાન અને સંસ્કારના પ્રતિગ્રહ કરવાને માટે જ સરજેલું છે."