પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭
પ્રકરણ ૩.
સૌંદર્યનો ઉદ્યાન અને કુસુમનો વિકાસ.
अनाघातं पुष्पं किस्रलयमलूनं कररुहै :
अनाविद्धं रत्नं मधु नवमनास्वादितरसम् ।
अखण्डं पुण्यानां फलमिव च तद्रूपमनधम्
न जाने भोक्तारं कमिह समुपस्थास्यति विधिः ॥

ણસુંઘ્યું ફુલ, નખવડે પણ અણચુંટી કળી, અણવીંધ્યું રત્ન, અણચાખ્યું નવું મધ, ખંડિત થવા ન માંડેલું પુણ્યોનું ફલ; એ સર્વના જેવું ડાઘ વગરનું આનું રૂપ છે, તેને ભોગવવા કીયા ભોગવનારને વિધાતા મોકલશે એની મને સમજણ પડતી નથી, ”સુંદર કન્યા શકુન્તલા વિષયે દુષ્યન્તને આવી ચિંતા પડી હતી. તે શ્લોકમાંથી “तद्रूपमनघम” – “ડાઘ વગરનું આનું રૂપ” એટલા શબ્દોને ઠેકાણે “मेधा हि दुहितु” – “દીકરીની મેધા એટલે બુદ્ધિના ચમકારા” એટલા શબ્દ ગુણસુંદરીએ મુકી દીધા હતા, અને એ શબ્દોથી વારંવાર તે ઉગતી કુસુમની ચિન્તા કર્યા કરતી હતી. તેમાં હાલમાં તો એક પાસથી કુમુદની ચિન્તા અને બીજી પાસથી કુસુમની ચિન્તા, એ બે દુ:ખથી ભરેલાં બે ત્રાજવાંના ભાર એના મનની દાંડીને બે પાસથી નમાવતા હતા.

માતાને પુત્રીનું દુ:ખ અસહ્ય શલ્યરૂપ થાય છે તેનો અનુભવ ગુણસુંદરીને હવે પૂર્ણ કળાથી થવા માંડ્યો. જુવાનીમાં શ્વશુરકુટુંબના ત્રાસદાયક ભારનીચે ચગદાઈ કુટુંબિનીને યોગ્ય ઉદાર સ્વભાવથી, કુલીન વહુને સ્વાભાવિક ક્ષમાથી, ચતુર નારીના લક્ષણરૂપ ધૈર્યથી, શૂરી સ્ત્રીઓમાં સ્ફુરતી ધુરંધરતાથી, પતિની સાથે એકજ ધુરીએ જોડાઈ પતિનો ભાર હલકો કરવા તેની સાથે દોડવામાં પાછળ ન પડવાના પતિવ્રત ઉત્સાહથી, કુટુંબજાળ જોત ઉકલી જતા સુધી ગુણસુંદરી શરીરમાં, બુદ્ધિમાં, અને સર્વે વાતમાં સતેજ રહી ટકી હતી. એ જાળમાંથી મુક્ત થતાં, પતિની સમૃદ્ધિ વધતાં, દરિદ્ર દશાના ધર્મના અનુભવને અંતે રત્નનગરીના પ્રધાનની પત્નીના સમૃદ્ધિધર્મમાં ચતુર ભાગ લેવામાં આ આર્યા આગળ પડી હતી. પણ એ સમૃદ્ધિને સમયે બે પુત્રીઓની ચિંતા તેને પ્રથમ કાળની ચિંતાઓ કરતાં અધિક દુઃસહ લાગી. દુઃખકાળે ઉછરેલી દુઃખોમાં ધાવેલી રંક કુમુદસુંદરીની બુદ્ધિસુંદરતા ભોગવવા મળેલો મૂર્ખ સ્વામી એ સુંદરતા