પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૮


ત્યાંથી પગ ભાગ્યે ઉપડ્યો એટલામાં તો ચોકના બીજા ભાગમાં કોઈ લ્હેંકા કરી ગાતો હતો. તેના લલકારે સંસ્કાર-શેાધકને ઉભો રાખ્યો.

“મુકરર મા...નની કહ્યું મ્હા...રું,
એક દિન મા...ટીસેં મીલ જા...વું...
એક દિન પં...ખીસેં ...ઉડ જા...વું...
મુકરર મા.....નની...કહ્યું મહા….રુઉઉઉ….”

મ્હારુના રુનો ઉકાર સાંભળનારનાં કાનમાંથી કાળજામાં પેંઠો અને કાળજું વલોવવા લાગ્યો. રુકારનો રણકારો ઘણો પ્હોચ્યો, સરસ્વતીચંદ્ર દ્‌હાડી ઉપર હાથ ફેરવતો ઉભો. ગાનારે એટલામાં તો કેટલીક કડીયો પુરી કરી અને વિચારની ધુનમાં આ વચલો ભાગ કાનમાં કે ધ્યાનમાં પેંસે ત્યાર પ્હેલાં છેલ્લી કડીયો સંભળાઈ. ગાનાર ખીલી ખીલીને ગાવા લાગ્યો.

"જુઠી રે કા..યા.. જુઠી રે માયા
જુ...ઠા માલ ફૂટા...યા...
જુ...ઠા રે ત્હારાં સગાં સબંધી
ફો...કટ ફે..રા ખા..યા.. મુકરર૦
અંત સમે કોઈ કામ ન આવે,
પા..છળથી પસ્તા...વું..,
ભોજો ભગત ક્‌હે ભજી લ્યો ભાઈ !
હું ગુણ ગોવિદનાં ગાઉં !..”
મુકરર માનની કહ્યું મારું,
એક દિન મોટીસેં મીલ જાવું,
એક દિન પંખીસે..ઉડ...જાવું...”
“ઉડ જાવું..ઉડ..જાવું :” એ અક્ષરો આજ ચિરંજીવ થયા.

“ કાયા જુઠી.. એ સત્ય. ઉડી..જવું... એ સત્ય. ફેરો ફોકટ થયો કે સાર્થક થયો એ બીજો પ્રશ્ન. એ ફેરો કયારે સાર્થક થયો ગણવો એ ત્રીજે પ્રશ્ન. અને એજ સઉથી કઠણ પ્રશ્ન ”

મ્હેતાજી૦- વિહારપુરીજી, આ ગાયું એટલે સુધી બધા ધર્મનો બોધ એક – માયા ખોટી, મૃત્યુ નકી, ને હરિભજન કરી મોક્ષ પામવો ત્યાં સુધી વાંધો નહી, પણ કીયા હરિને ભજવો? વિષ્ણુને, શંકરને, શક્તિને, ખ્રીસ્તને, કે મહમદ પેગમ્બરને ? પેલા મંદિરમાં હતા ત્યાં શિવકીર્તન કરવાં અને અહીંયાં રાધાકૃષ્ણનો વિહાર ગાવો. ત્યારે સાચું તે શું ?