પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૯


રાધેદાસ - શિવ ઓર વિષ્ણુ તો એક જ હય.

મ્હેતાજી - જો એક જ છે તો આ અનેક નામ ને અનેક મૂર્તિઓ ને અનેક કથા પુરાણને ભજન શું કરવા જોઈએ ? બધું એ એકજ કરોની કે આ નકામી કડાકુટ, નકામાં ખરચ, ને નકામા ઝઘડા ન થાય ! ગોળ મટોળ મ્હારા શિવજીને પાણી પાંદડાની સોંઘી પૂજા કરવી મુકી આ ઢોંગ ને ખરચ શું કરવા કરવાં !

વિહાર૦- મ્હેતાજી, અલખ તો એકજ છે. પણ તે જ્ઞાનમાર્ગનું લક્ષ્ય છે. લખ પણ એક જ છે – પણ તેના વિહાર અનેક છે અને તે ભક્તિમાર્ગનું લક્ષ્ય છે. માટે જ ભક્તિ બહુમાર્ગિણી અને બહુરૂપિણી છે. તેમાંથી જે માર્ગે, જે રૂપે, ભક્તિ પામો તે ભક્તિથી ભક્તિનું પરમ સાધ્ય લખરૂપ પમાય છે.

મ્હેતાજી – પણ અનેક માર્ગ અને અનેક રૂપમાંથી લેવું કીયું ને પડતું કીયું મુકવું?

વિહાર૦– અધિકાર પ્રમાણે.

મ્હેતાજી૦- શિવ ભજવા કે વિષ્ણુ ભજવા તેમાં અધિકાર શો?

વિહાર૦– જો બચ્ચા, અધિકાર સર્વમાં છે. લખરૂપનો અનેક લહરીવાળો પ્રવાહ સર્વ પાસ મહાસાગર પેઠે ચાલી રહ્યો છે. તેમાંની લહરીઓ કેણી પાસ જાય છે? જેની પાછળ જે હોય તેની પાછળ તે જાય છે. તેમજ પિતા પાછળ પુત્ર ને પિતાની ભક્તિ પાછળ પુત્રની ભક્તિ. સર્વ ધર્મ અને સર્વ ક્રિયાઓ સમીપસ્થ પદાર્થોને ઉદ્દેશી વર્તે છે. પિતા કોણ ને પુત્ર કોણ? તેમના પરસ્પર સામીપ્યથી તેમના શરીરના ધર્મ રચાય છે. અનેક બાળકોને ભુખ્યાં ર્‌હેવા દઈ પોતાના બાળકને સ્તન્યપાન [૧] આપવું તે માતાનો ધર્મ ને બાળકનો ધર્મ છે. તેમજ કુટુંબનો ઈષ્ટ દેવ સ્વીકારવા તે બાળકને શીખવવું એ કુટુમ્બનો અધિકાર.

મ્હેતાજી૦– ત્યારે તો કુળધર્મ છોડવો નહી.

વિહાર૦- નહી.

સરસ્વતીચંદ્ર રસથી સર્વ સાંભળી રહ્યો હતો તેણે પુછ્યું : “વિહારપુરીજી, એ ઉત્તરમાં દોષ નથી !”

વિહારપુરી આગળ આવી પુછવા લાગ્યો: “ જી મહારાજ, ક્યા દોષ આતા હે?"


  1. ૧. સ્તન્ય એટલે ધાવણ - તેનું પાન.