પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૦


સરસ્વતીચંદ્ર - કાલ સવારે ગુરુકૃપાથી મ્હારોજ કુળધર્મનો અધિકાર બદલાયો તમે દીઠો.

રાધે૦- એ વાત તો સચ.

વિહાર૦- જી મહારાજ, મ્હારી ચુક થઈ. મ્હેતાજી, તમારું સમાધાન અમારા નવીન જૈવાતૃક કરશે ને તેનો અમને પણ લાભ મળશે.

સરસ્વ૦- આપને વિદિત હશે કે जन्मना जायते शूद्रः संस्काराद् द्विज उच्यते.

વિહાર૦- હા, જી.

સરસ્વતી૦– જન્મથી ભક્તિમાર્ગમાં જન્મ્યો હોય તે સંસ્કારથી જ્ઞાનમાર્ગમાં જાય.

મ્હેતાજી– પણ જ્ઞાનમાં જાય તે કંઈ ભક્તિને વખોડે કે?

સરસ્વ૦- વખોડવાની કાંઈ આવશ્યકતા નથી. ઉપલે પગથીયે ચ્હડીયે એટલે નીચલા સાથે કાંઈ સંબંધ ર્‌હેતો નથી. નવો સંબંધ થાય એટલે જુનો જાય. પ્રાતઃકાળેજ વિહારપુરીજીએ ઉપદેશ કર્યો હતો કે અલખનો પ્રકાશ અને અધિકારીની બુદ્ધિ બેના સંયોગથી લખસૃષ્ટિ ઉપરામ પામે છે.

વિહારપુરીનો આત્મા અતિ પ્રસન્ન થયો.

“જી મહારાજ, હું તે અલખનાં રહસ્ય શુકમુખ પેઠે ઉચ્ચારું છું, પણ આપ તેને પ્રકાશિત કરો છો–”

રાધે૦- અને સાથે અમારાં હૃદયકમળને વિકસાવો છો.

મ્હેતાજી - નવીનચંદ્રજી મહારાજ, ત્યારે ભક્તિમાર્ગમાંના અનેકમાંથી કીયો સ્વીકારવો?

સરસ્વ૦- અનેક સંસ્કારોના અનેક પ્રવાહમાંથી જેનો પટ તમારી બુદ્ધિ ઉપર વધારે બેસે તે ઇચ્છાથી કે અનિચ્છાથી તમે સ્વીકારવાના જ.

વિહારપુરી વિચારમાં પડ્યો હતો તે સ્મરણ વિકસાવી બોલ્યો: “જી મહારાજ, ગુરુજીનું વચન હવે સ્મરણમાં સ્ફુર્યું. આપનું વચન તેને અનુસરતું જ છે. સર્વના સરખા જઠરાગ્નિને દેશ કાળ પ્રમાણે જુદી જુદી જાતનાં અન્નાદિની આહુતિઓ અપાય છે, તેમ સર્વની સરખી ભક્તિવાસનાને માટે એક દેશમાં વિષ્ણુ પ્રિય છે, બીજામાં શિવ છે, ત્રીજામાં પેગમ્બર છે, અને ચોથામાં વિશ્વાસીયોનો દેવ છે. એ સર્વ સંસ્કાર જન્મ અને સહવાસથી અનધિકારીઓને મળે છે. એ ધર્મોમાંથી એકનો ત્યાગ કરી બીજાનું ગ્રહણ કરવાથી અનધિકારી અધિકારી થતો નથી,પણ ઉલટો ભ્રાંત