પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૩

નમસ્કાર કરી ભીંતને ટેકી ઉભો રહ્યો, અને નેત્ર મીંચાઈ ગયાં. ફરી ફરી સંભળાતાં સર્વને અર્થ બેસી ગયો.

રાધે૦– નવીનચંદ્રજી, આ ભક્તરાજે ભક્તિનો યોગ શ્રીરાધિકેશના દર્શનમાં સાધ્યો અને વ્રજવનિતાનું સુખ અનુભવે છે – આ પરાભક્તિનો સમાધિ.

સરસ્વતીચંદ્રે ઉત્તર મુખવડે ન દીધો, પણ તેના હૃદયમાં ધ્વનિ થયો:- “'Tis the yearning for the Beautiful ! – for the Beautiful in the Divine. It is the Beauty which the sightseers admire, but to the Bhakta is a trance of intense love. There is a form of beauty floating on the air before his loving eye and singing the sweet melodies of Divine raptures into his wistful ears.”

એક પ્રૌઢ સ્ત્રી મંડપની વચ્ચે દેવનાં દર્શન કરતી કરતી હાથ જોડી ગાતી હતી. તેના આગળ એક તુળસી ભરેલો ટોપલો પડેલો હતો. તેમાંથી લીધેલી એક માળા એના હાથમાંથી લટકતી હતી. એનું શરીર દુ:ખીયું અને દુબળું હતું. એના ગાલ બેસી ગયા હતા. એના વસ્ત્રમાં અનેક થીંગડાં હતાં. આ દુ:ખી અબળાના પગ આગળ એક બાળક પુત્ર એના શરીરને બાઝી ઉભો હતો, અને રહી રહીને રોતો હતો. પણ તે કંઈ લક્ષમાં ન લેતાં આ બાળકની માતા માત્ર દેવને ન્યાળી રહી હતી અને એ પ્રતિમામાં આરોપેલો સર્વવ્યાપી ઈશ્વર સાંભળતો હોય તેમ એના મુખમાંથી ધીરે ધીરે અક્ષર ખરતા હતા.

“ મીરાં ભક્તિ કરે રે પ્રકટકી ! નાથ તુમ જાનત હો સબ ઘટકી; (ધ્રુ.૦)
રામમંદિર મીરાં દર્શન આવત, તાલ બજાવત ચટકી,
પાયલ ઘુઘુરું રુમઝુમ વાગત, લાજ સંભાળો ઘુંઘટકી ! મીરાં૦
ધ્યાન ધરત મીરાં ધરણીધરનકો ને સેવા કરત ખટપટકી,
શાલિગ્રામકું તુલસી ચ્હડાવત, ભાલ તિલક, માંહી ટપકી ! મીરાં૦
વિખના પ્યાલા રાણાજીએ ભેજ્યા ને સાધુ સંગત મીરાં અટકી,
હરિચરણામૃત કરી પી ગઈ મીરાં, જેસી જાનત અમૃત ઘટકી. મી૦
સુરદોરપર ચલી એક ધારા ને સીર ગગરીપર મટકી,
બાઈ મીરાં કહે પ્રભુ ગીરધર નાગર, એસી સુરત બની જ્યમ નટકી ।
મીરાં ભક્તિ કરેરે પ્રકટકી!