પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૪

“વિખના પ્યાલા”ની કડી ગાતાં ગાતાં આ સ્ત્રીના નેત્રમાંથી આંસુની ધાર નિરંકુશ થઈ. છેલી કડી ગાતાં તે ઘેલી જેવી દેખાઈ. તેના અંતર્માં કંઈક ઉંડું દુઃખ હતું. તેના રોતા બાળક ભણી તે દૃષ્ટિપાત પણ નાંખતી ન હતી. અંતે દીર્ઘ નિઃશ્વાસ મુકી, બાળકને એમનું એમ ર્‌હેવા દેઈ, તુળશીનો ટોપલો લેઈ સામી સામી ચાલી અને સિંહાસન ઉપર ઉંધો વાળ્યો. એ તુળશીની ભેટનો સ્વીકાર થયો જ હોય અને ઈશ્વર ઉપર વિશ્વાસ આવ્યો હોય તેમ આશ્વાસન પામી આ સ્ત્રી સ્વસ્થ વદનથી પાછી આવી, બાળકને ઉચક્યું, અને તેની પાસે ઠાકોરજીને “જયજય” – “જે જે કરાવી” એક પુરાણી ભાગવતની કથા કરતો હતો તેની પાસે બાળકને ખોળામાં લેઈ સાંભળવા બેઠી.

આ સર્વ પ્રત્યક્ષ કરતો કરતો સરસ્વતીચંદ્ર ક્‌હેવા લાગ્યો; “વિહારપુરી, આ સ્ત્રી બહુ દુ:ખી હશે અને તેના અનાથ હૃદયમાં એની ભક્તિએ આશ્વાસક અમૃત રેડ્યું તે આજે પ્રત્યક્ષ કર્યું. સુખી જીવને ભક્તિથી શું થાય છે તે જોવાનું બાકી રહ્યું.”

વિહાર૦- “જી મહારાજ, તે પણ ક્યાંક લખ થશે.”

આ ઉત્તર કાનમાં પ્હોચતાં પ્હેલાં તો કુમુદસુંદરી સાંભરીઃ “ કુમુદ ! દુઃખી કુમુદ! આવા જ દુઃખથી તું ડુબી ! ત્હારાં જેવાં કેટલાં સુંદર પુષ્પો દુઃખના ભાર નીચે કચરાઈ ચીમળાઈ નિર્માલ્ય થઈ ધુળ ભેગાં લોકના પગનીચે છુંદાતાં હશે ! - ત્હારા જેવીજ આ દુ:ખીયારી ! તેના જેવું આશ્વાસન તને ન મળી શકયું ! ઈંગ્રેજી વિદ્યાએ ન આપ્યું, સંસ્કૃત વિદ્યાએ ન આપ્યું, માતાપિતાએ ન આપ્યું, મ્હેં ન આપ્યું ! – તે અમૃત આ રંક અશિક્ષિત સ્ત્રીને આ સ્થાને મળ્યું ! – આજ જે સુન્દર દુ:ખી મુખ દીઠું તે જ તું ન હોય ! તું તે હોય - તો - તને આવું અમૃત ન મળે ? ત્હારાં દુ:ખમાં આ અમૃતથી શાન્તિ ન વળે ? એ શાંતિ આપવી તે મ્હારા અધિકારમાં નથી. – આ ભેખ – હવે બુદ્ધિધનના ઘર જેટલું ૫ણ – આશ્વાસન આપવા દે એમ નથી ! પ્રમાદધન મુવો. તું વિધવા થઈ. સુંદરગિરિ ઉપર આવી, અલખની સ્વતંત્રતાને પ્રાપ્ત થઈ. મ્હારા અપરાધનું પ્રાયશ્ચિત્ત શક્ય થયું - પણ... આ ભેખ... પણ તું તે હોય ખરી ! મળતાં મ્હોંનાં માણસ જગતમાં ક્યાં નથી હોતાં ? – સર્વથા આ સંકલ્પવિકલ્પ અપ્રાપ્તકાલ છે."

મન સ્વાધીન થયું અને વિચાર બંધ પડ્યા. દેવના સિંહાસન પાસે