પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮

ભોગવી શક્યો નહી ત્યારે ઉછળતી કુસુમસુંદરીની સુંદરતા ભોગવનાર જડતો પણ ન હતો. એ બે દુ:ખ વચ્ચે કયું દુઃખ અધિક ગણી સંભારવું અને કીયા દુઃખને ન્યૂનઃ ગણી ભુલવું તે તેમની માતાને સુઝતું ન હતું.

મેના રાણીના બાગમાંથી પોતાને ઘેર આવી આ દુ:ખી અબળા એક આરામખુરશી ઉપર પડી અને મુખ ઉપર છાતી ઉપરનો છેડો ઢાંકી થોડી વાર મનમાં ને મનમાં રોઈ અંતે આંખો લોહી, મુખ ઉઘાડી, કુમુદને સંભારી, પ્રમાદધનને ઉદ્દેશી તેને ઠપકો દેઈ તેની પાસેથી ન્યાય માગતી હોય તેમ, કંઈક ક્રોધથી અને કંઈક દયામણે મ્હોંયે, ગાવા લાગી –

  • [૧]“नैसर्गिकी सुरभिणः कुसुमस्य सिद्धा
"मूर्ध्नि स्थितिर्न चरणैवताङनानि “

"અથવા – બેટા પ્રમાદધન ! તને ગુણ ઓળખતાં જ ન આવડ્યા તો તેનો સ્વાદ તું શી રીતે ભોગવે ?

"गुणा गुणेज्ञेषु गुणा भवन्ति ते निर्गुणं प्राप्य भवन्ति दोषाः।
"सुस्वादुतोयाः प्रभवन्ति नद्यः समुद्रमासाद्य भवन्तपेयाः ॥

“અરેરે ! મીઠી નદીને ખારા સમુદ્રમાં ભેળવી ખારી કરી નાંખવાનું પાપ તે તો મારેજ માથે – સમુદ્રને શો ઠપકો દેવો ? તે તો મૂળથીજ ખારો હતો. મીઠાં સાસરીયાની લાલચે ખારો વર આપનાર મૂર્ખ માબાપ તો અમે જ ! મૂર્ખાઈ અમારી ને ફળ ભાગવે બિચારી કુમુદ ! શો માબાપનો તીર્થ ધર્મ ? હરિ ! હરિ !” આંખમાંથી આંસુની ધારા ચાલી રહી.

વળી મેનાનાં બાગમાં બોલતી કુસુમને સંભારી વિધાતાને ગુંચવાયલે મુખે ક્‌હેવા લાગી -

"अखण्डं पुण्यानां फलमिव च मेधा हि दुहितुर्
"न जाने भोक्तारं कमिह समुस्थास्यति विधिः"||

એટલું બોલી ફરી દીર્ઘ નિઃશ્વાસ મુક્યા અને દુઃખથી થાકી, ઉભી થઈ બારી બ્હાર પોતાની વિશાળ વાડીઉપર દૃષ્ટિ ઠારી આશ્વાસન શોધવા લાગી.

આ વાડી રત્નનગરી અને મુંબાઈ બેના નમુનાઓના મિશ્રણરૂપ હતી. પ્રધાનપદે ચ્હડ્યા પછી મહારાજની ઈચ્છાનુસાર અને નવી પદવીને


  1. *સુગન્ધિ કુસુમની સ્થિતિ તો સ્વભાવથી જ મસ્તક ઉપર સિદ્ધ છે; પગ વડે લાતો ખાવી એ તેની સ્વાભાવિક સ્થિતિ નથી; ભવભૂતિ.