પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૦
પ્રકરણ ૧પ
કુસુમનું કઠણ તપ.

કુસુમ, ઓ કુસુમ, તને ખોળી ખેાળીને તો હું થાકી ગઈ ! બળ્યું, આમ તે શું કરતી હઈશ ?” એમ બોલતી બોલતી કુસુમનાં માંડવા આગળ થઈને સુન્દર ઉતાવળી ઉતાવળી ચારેપાસ જોતી જોતી ફરતી હતી. આજ પ્રાત:કાળની તે જડતી ન હતી અને એને માટે નિર્મેલા કોઈપણ સ્થાનમાં તેનો પત્તો ન હતો. એમ કરતાં કરતાં છેટે માળણની ઓરડીની પાછળ એક પીપળા તળે કંઈક ઘસારો લાગ્યો, કાન માંડ્યા, બીજા ઝાડ પાછળ સંતાઈને જોયું, અને જુવે તો એક હાંલામાં કંઈક રાંધવા બેઠેલી કુસુમની પીઠ – માળણનો જાડો સાલ્લો પ્હેરેલો તેથી – એકદમ ઓળખાઈ નહી... પણ જરીક એક પાસથી જોયું તો કાન, નાક, આંખ, ગાલ – સર્વે કુસુમનાં જ. શ્વાસ રુંધી સ્તબ્ધ થઈ છાતીએ – હાથ મુકી, કાકી ભત્રીજીનો આ ચિત્રવેશ જોઈ રહી. નાક ચ્હડાવી, ઓઠ લંબાવી, આંખો સંકોડી, અનેક ગુંચવારામાં પડી, મનમાં ને મનમાં સુન્દર બડબડી: “આ છોકરીથી તે ત્રાહિ દીનના નાથ ! એ શું કરે છે ને શું કરશે તે આપણાથી તે કંઈ સમજાય નહી. એની માને દુ:ખ આવી પડ્યું એટલે એને સુઝતું નથી ને બાપને કારભારમાં દીકરીનું ચરિત્ર વસતું નથી. એવાં એવાંની બુદ્ધિ લોપ પામી ગઈ ત્યાં મ્હારા તે શા આશરા !-- છતી થઉં ? – ના, ના, જોઉં તો ખરી કે આ વેશ આખરે કેવો ઉતરે છે?”

માળણની ઝુંપડી અને વાડીના કોટવચ્ચે ખાલી જગા હતી અને તે એક પીપળાના ઝાડની છાયાથી ઢંકાઈ હતી. આ ઝાડના મૂળ આગળ કુસુમે ભોંયમાંજ ખાડો ખોદી ચુલો કર્યો હતો અને તેમાં દેવતા સળગાવી ઉપર હાંલીમાં ખીચડી ચ્હડાવી હતી. પોતે પાસે એક ઈંટ ઉપર અર્ધોત્થિત- - અર્ધોત્ક – અધુકડી બેઠી હતી. પોતાના શરીર ઉપરથી સર્વ અલંકાર ક્‌હાડી મુકેલા હતા, પણ પીપળાના તળ આગળ પોતે કોઈ વેલી પેઠે બેઠેલી લાગતી હતી અને પીપળાનો અલંકાર જાતેજ થઈ પડી હતી. કૃષ્ણપક્ષમાં મધ્યરાત્રિયે ચંદ્રબિમ્બ ક્ષિતિજમાં ઉગે અને આસપાસના