પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૨

ઠેકાણે આ હાથેલી મ્હોં આગળ રાખું ને ફુંક મારું તો દેવતા સળગશે કની ?”

"હા, લ્યો, એમ કરી જુવો."

ફુંક મારતાં આંખમાં રાખ ઉડી ને માળણ હસી પડી.

"લ્યો લ્યો હવે ! જાવ ઘેર. જેનું કામ તે તે જ કરે. મ્હોં ઉપર રાખોડી ઉડી ચ્હોટી તે બાવીઓ જેવાં કાળા હત તો તો બરોબર લાગત.”

"ત્યારે આ કેવી લાગે છે?” હાથેલી વડે ભુલી ત્યાંથી ફરી ફુંક મારવાનું કરતી કુસુમ બોલી, ને ઉત્તર મળતા પ્હેલાં હાથેલી ધરી ફુંક મારવા લાગી. માળણને ઉત્તર સુઝે ત્યાર પ્હેલાં ભડકો થયો અને સુન્દર પાસે આવી બોલી ઉઠી.

"આ દિવસમાં ધોળી વાદળીઓથી ઢંકાયલો ચંદ્ર લાગે છે એવું ત્હારું રાખોડીવાળું મ્હોં લાગે છે ! કુસુમ !"

કાકીને દેખી કંઈક ચમકી, અંતે સ્વસ્થ થઈ, હાંલાનું ઢાંકણું ઉધાડી એક ધોયેલા છોડીયાવડે ખીચડીના દાણા ક્‌હાડી ચાંપી જોતી, એણી પાસ જ દૃષ્ટિ રાખી, કુસુમ બોલી.

“કાકી, એ રાખોડી ને એ મ્હોં - એ બે આખરે એક દેખાવાનાં તે આજથી અજમાવી જોઉં છું કે એ બેનો અરસપરસ મેળ કેવો થાય છે ? આખરનું જે સાથી તેનું આજથી જ હેત કરું છું.”

"કર્યું કર્યું એ હેત ! ઉઠ - આધી – રોજ નવા નવા વેશ ક્‌હાડે છે તે હવે નહી નભે. ખબડદાર જમની ! જો આ છોકરીને અંહી આવવા દીધી તો !”

જમની:- “કાકીબા મ્હેં તો ઘણું યે સમજાવ્યાં પણ, એ કંઈ અમ જેવાનું માને ? ર્‌હાડ કરીને આવું અાવું કરે છે !”

સુંદર– તે કેમ, કુસુમ, કહ્યું માને છે કે નહી ! ઉઠે છે કે ઘરમાંથી વડીલને બોલાવું ?

ચાંપેલો દાણો હાંલીમાં પાછો નાંખી હાંલી ઢાંકતી ઢાંકતી કાકી ભણી કંઈક ફરીને ઉંચુ જોઈ કુસુમ બોલવા લાગી.

"તે શું, કાકી, એમ જાણો છો કે વડીલ - કુસુમને તમારી પેઠે ધમકાવશે? ”

"ના, તું તો એમની હૈયાની હોડી - લજવામણી ! તે તને કેમ ધમકાવે?