પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૩

પણ એટલું તો થશે કે જો ત્હારા આ ચાળા જોઈ વડીલ દુખના દરીયામાં ડુબશે. માનું કાળજું બાળે છે ને દાદાનું બાળ ! જોઉં તો ખરી કે કોનાં કોનાં કાળજાં બાળે છે ? ભાયડાઓ છોકરીયોને ભણાવે ન આમ બગાડે તે ત્હારા બાપ નથી જાણતા, પણ દાદા તો જાણે છે.”

હાંલી ઉઘાડી માંહ્ય પાણી રેડતી રેડતી હસતી હસતી પાણીની ધાર ભણીજ આંખ રાખી કુસુમ બોલી.

"કાકી, એ તો ભુલ્યાં. દાદા તો વળી પિતાજી જેટલું પણ કુસુમને ક્‌હેવાના નહી અને પિતાજીની જોડે તો બહુ બોલાય નહી, પણ દાદાજીને તો ક્‌હેવાય એટલું કહું.”

મ્હોં લંબાવી ખભા ઉંચા કરતી સુંદર બોલીઃ “ઉંહ - તું તે કોઈને ગાંઠવાની નહી. શું કરીયે આને તે ? પણ બોલ તો ખરી કે આ બધું શું કરે છે ને આ વેશ શો ક્‌હાડ્યો છે ? મને તો ત્હારી કંઈ સમજણ પડતી નથી."

“કાકી ! કોઈને ભારે પડ્યા વિના ગરીબ થઈ એકલાં બાવીઓ પેઠે કેમ ર્‌હેવાય – આવું કેમ ખવાય ને આવું કેમ પ્હેરાય તે શીખું છું.” ઉભી થઈ, કાકીના સામી ફરતી પ્હેરેલા વસ્ત્રનો જાડો પાલવ હાથમાં ઝાલી બતાવતી, અને આંખવડે હાંલી બતાવતી કુસુમ પ્રફુલ્લ મુખથી બોલી અને અંતે જય પામતી હોય તેમ કાકીની આંખો સામું તાકીને જોઈ રહી.

“કુસુમ, ત્હારે કરવું હોય તે કર. પણ આ કંઈ સારું કરતી નથી !” નિ:શ્વાસ મુકી સુંદર એક ઝાડના ઠુંઠા ઉપર લમણે હાથ મુકી બેઠી અને કુસુમના ચુલા સામું જોઈ રહી.

થોડી વારે હાંલીમાં જોઈ, ઉભી થઈ બે ચાર પાંદડાં વીણી, કુસુમ પત્રાળું કરવા બેઠી, ને તેને સળીયોના કડકાથી સાંધતી સાંધતી બોલી “કાકી, આ અન્ન ખાવું હોય તો ચાલો – એ પણ મિષ્ટ લાગશે, એથી પણ જઠરાગ્નિ તૃપ્ત થશે.”

“શું આમ હાથમાંથી જવાને બેઠી છે? ત્હારા ઘરના અન્ન જેવું આ અન્ન ન હોય અને એ જાડું અન્ન ત્હારા નાજુક પેટમાં ને નળામાં ખુંચશે ને પ્રાતઃકાળે ઔષધ ખાવું પડશે.”

"કાકી, આ ખીચડી ખાતે તો બે ત્રણ દિવસ થયા.”