પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૬

કુસુમ હસી પડી. “ કાકી, આ અન્નમાં એવો નીશો છે કે સાંભરેલું ભુલી જવાય છે.”

સુન્દર - “ઠીક છે ત્યારે હું ભુખથી ભુલી જઈશ.” સુન્દરે જવા માંડ્યું, કુસુમે તેને ઉભી રાખી.

કુસુમ૦- ઉભાં તો ર્‌હો. જરા મશ્કેરી કરીયે તેમાં સું રીસાવછો જે! મ્હારા વિચાર ધારેલા છે તે તું, જમની, કાકીને ક્‌હે, પછી બાકી ર્‌હેશે તો હું કહીશ.

સુન્દર – ક્‌હે બાપુ, જમની, તું ક્‌હે, એ નહીં ક્‌હેવાની.

જમની – કાકીબા, બ્હેનને તો બાવીની પેઠે ર્‌હેતાં શીખવું છે, માળણ પેઠે ર્‌હેતાં શીખવું છે, અને જાણવું છે કે અમે બધાં રહીયે છીએ તેમ એમનાથી ર્‌હેવાય કે નહી ?

સુન્દર – પછી ?

જમની - હું તો એટલું જ જાણું.

સુન્દર – તેમાં તે શું વધારે કહ્યું ? કેમ કુસમ ? શું ધાર્યું છે?

કુસુમ – મ્હોં ધોઈ ઉઠી, અને મ્હોં લ્હોતી લ્હોતી આગળ આવી બોલી.

“કાકી, લ્યો હું જ કહીશ. મ્હારે જમી લેવું હતું તેમાં વાર થાય માટે આટલી યુકિત કરી ઉતાવળથી જમી લીધું. હવે સાંભળો. આ કાળમાં કુમારી સ્ત્રીયોને દ્રવ્ય વિના ખાવા પીવાનો વાંધો પડે અને મ્હોટાં ઘરનાં બાળકથી રાંક લોકની ર્‌હેણી પ્રમાણે ર્‌હેવાય નહી એવું તમે જ કહ્યું હતું. મ્હેં મ્હારી હવે ખાતરી કરી લીધી કે આ લુગડાં મ્હારાથી પ્હેરાશે, આ ધાન્ય મને પચશે ને ભાવશે, ને આવે ઠેકાણે ર્‌હેવામાં મને કંઈ હરકત નહી પડે. આ માળણને માસના બે રૂપીઆના ખરચથી નિર્વાહ થાય છે - લુગડાં, ખાવાનું, અને માટલાં લાકડાં સુધાંત ! બાર માસે એ ચોવીશ રૂપીઆ થયા. તે ચાર ટકા પ્રમાણે છસો રુપીઆનું વ્યાજ થાય. પિતાજી મને કન્યાદાનમાં એટલી રકમ તો ઓછામાં ઓછી આપવાનું ધારશે ત્યારે આ તો એ રકમ પણ નહીં જોઈએ. એટલા રૂપીઆ પિતાજી એમને પોતાને નામે રાખવા હોય ત્યાં રાખે અને મને આટલું વ્યાજ અપાવે એટલે આપણે થયું. તેટલામાં તો “તાકડધીના" થાય ને કુમારી કુસુમ મિસ ફ્લોરાનાથી પણ વધારે સુખી થાય.”

સુન્દર- તને આ બધું કોણે શીખવ્યું ? –હશે. હવે એ આવડ ત્હારામાં આવી. ચાલ પછી શું કરવું છે?