પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૫


શંકરશર્મા અને પ્રવીણદાસ ત્યાં આવી પ્હોંચ્યા. બાવો ચાલ્યો ગયો. ચંદ્રકાંત ગુંચવાતો ઉભો રહ્યો અને આવેલા ગૃહસ્થો સામે ફર્યો, બાવાની ગોષ્ટીમાં ભંગ પાડનાર આ મિત્રોનો યોગ અત્યારે તેને રજ પણ ગમ્યો નહી. તેના મ્હોં ઉપરને કડવાટ ઢાંક્યો ન રહ્યો. પણુ બાવો તો ચાલ્યો ગયો અને હવે તો પ્રારબ્ધ જે ઢીલ કરે તેને વશ થવામાં બળાત્કારે તૃપ્તિ આણવી પડી. મિત્રના સમાચારના અભિજ્ઞાને ઉત્પન્ન કરેલા સંરંભમાં તે ઉદ્યાન છોડી મસ્તક ઉપર પાઘડી વિના આટલે સુધી આવેલો હતો. તેનું અચિંત્યું ભાન આવ્યું અને ભાન સાથે લજજાયુક્ત થયો. આ નવા મિત્રોને પણ આ દેખાવથી જિજ્ઞાસા અને ચિન્તા થઈ હતી અને તે બે જણે સાથે લાગો પ્રશ્ન પુછ્યો કે તમે અંહી આમ કયાંથી ?



પ્રકરણ ૧૭.
ચન્દ્રકાન્ત, અને કારાગૃહમાં સરસ્વતીચંદ્રનો શોધ.

સાધુએ ગુપ્ત રાખવા સૂચવેલી વાત કહ્યા વિના આ પ્રશ્નનો ઉત્તર આપવો જેવો કઠણ હતો તેવો જ કંઈ પણ ઉત્તર આપ્યા વિના ચાલે નહી એવી પોતાની સ્થિતિ હતી.

"મ્હારા મિત્રના કંઈ સમાચાર જેવું મળવાનું નિમિત્ત લાગવાથી ઉતાવળમાં હું આમ આવ્યો.”

“કંઈ સમાચાર મળ્યા ?”

“મળ્યા તે ન મળ્યા જેવા છે ને તેટલા પણ ગુપ્ત રાખવાને હું બંધાઈ ચુક્યો છું ”

“કાંઈ ચિન્તા નહીં. આપ કારાગૃહમાં ચાલો; ત્યાં કેટલાક સમાચાર એકઠા થયા છે તે જાણી લેઈશું ને આપની ઈચ્છા સમજી વ્યવસ્થા કરીશું.” શાંતિશર્માએ કહ્યું.

બન્ધનપાત્ર ઠરેલા અપરાધીઓને માટે એક કારાગૃહ, અને ન્યાયનિર્ણય થતા સુધીના બદ્ધશંકિત જનોને માટે બીજું, એમ બે કારાગૃહ એક મન્દિરના આગલા પાછલા ભાગોમાં રાખેલાં હતાં. પ્રથમ ગૃહ અપરાધીઓનું કારાગૃહ - પાકું કેદખાનું - ક્‌હેવાતું, અને બીજું શંકિતકારાગૃહ અથવા કાચું કેદખાનું ક્‌હેવાતું. ઈંગ્રેજી રાજ્યમાં શંકિતકારાગૃહ દેશપાલક-પોલીસ-અધિકારીઓના હાથમાં હોય છે. પણ તેઓ તેમ કરવામાં