પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦

આ સુન્દરતાના ઉદ્યાનમાં ન્હાની કુસુમનો વિકાસ કરવાનાં સ્થાન રચવામાં માતા જાગૃત ર્‌હેતી. ઉદ્યાન તૈયાર કરતાં ત્રણેક વર્ષ ગયાં હતાં અને ભાગ્યહીન કાળમાં જન્મેલી કુમુદ પરગૃહમાં જવા યોગ્ય થઈ ત્યાં સુધી આ ઉદ્યાન સંપૂર્ણ થયો ન હતો, અને સરસ્વતીચંદ્રનો સંબંધ પળવાર એના ભાગ્યાકાશમાં ચમકારા કરી રહ્યો એટલો કાળ એ આ ઉદ્યાનનો લાભ પામી એના વિયોગ સાથે ઉદ્યાનથી પણ જુદી પડી, અને એનું દુર્ભાગ્ય એને જોતજોતામાં પરગૃહમાં ઘસડી ગયું, જે વિધાતાએ એનાં ભાગ્યનો અસ્ત કર્યો તેણે કુસુમને ઉદય કર્યો, અને કુટુંબોપાધિથી જે માતાએ પ્રથમ પુત્રી કુમુદને પારકે હાથે ઉછરવા દીધી હતી તે માતાએ બીજી પુત્રી કુસુમને પોતાના હાથમાં લીધી. પ્રધાનના આવાસનો જે ભાગ સ્ત્રીવર્ગ માટે રાખેલો હતો તેની પાછળનો ઉદ્યાનભાગ કુસુમને માટે તૈયાર કરાવ્યો હતો. આ ઉધાન-ભાગમાં કુસુમને એકાંત બેસવા, ઉઠવા, અભ્યાસ કરવા, શરીરને વ્યાયામ આપવા, વિનોદ લેવા, અને સર્વથા નિર્દોષ સ્વતંત્રતાં લઈ વિકાસ પામવા, જેટલી સામગ્રી જોઈએ તેનો સંભાર ભરેલો હતો. છતાં ઉગતી યુવાવસ્થાની સ્વતંત્રતાને સ્થાને અયોગ્ય નિરંકુશતા પેસી જવા પામે નહીં, કુસંગતિનો વા સંચાર કરી શકે નહી, વર્જ્ય કરવાના મનોવિકાર ચેપી રોગની પેઠે ફાટી નીકળે નહીં, સદભ્યાસવચ્ચે દુરભ્યાસ ડોકીયાં કરે નહી, અને ઉત્કૃષ્ટ વૃક્ષો વચ્ચે કાંટાવાળાં ઝાડ ઉગે નહી: તે સર્વ વિષયોમાં સજ્જ ર્‌હેવા એવી વ્યવસ્થા રાખી હતી કે આ કુસુમોદ્યાનના સર્વે ગુપ્ત પ્રકટ ભાગો ઉપર પોતાની આરામખુરશી ઉપરથી, પોતાના હીંદોળા ઉપરથી, અને પોતાની અને સુંદરગૌરીની બારીઓમાંથી, બેસતાં, ઉઠતાં અને જતાં આવતાં નિત્ય દૃષ્ટિ પડ્યાં કરે. પ્રિય પુત્રીનો બુદ્ધિપ્રભાવ સ્વતંત્ર વિકાસ પામે અને અગમ્ય સ્થાને સરી જાય નહી એ બે ફળ એક જ વૃક્ષ ઉપર એક જ ઋતુમાં આણવા ઉપર સૌંદર્ય-ઉદ્યાનની ધાત્રીની અનિમિષ ધારણા હતી.

અંતર્દુ:ખથી થાકી, બાહ્ય આશ્વાસનો શોધવા, ગુણસુંદરી બારી આગળ ઉભી ત્યાં નીચેના કુસુમેદ્યાન ઉપર દૃષ્ટિ ગઈ અને કામાર્ત્તાને ચંદ્રદર્શન પ્રતપ્ત કરે તેવી રીતે કુસુમોદ્યાનમાં વિકસતી રમણીય કુસુમનું દર્શન તો માતાને પ્રતપ્ત કરવા લાગ્યું.

માતાની દૃષ્ટિ પડી તે વેળાએ નિર્દોષ કુસુમ પોતાના ઉદ્યાનમાં એવું શું કરતી હતી કે માતાને સન્તાપ થાય ?

બારી નીચે પાસે એક માંડવો હતો, તેને ચારે પાસે લાકડાની ચીપોની