પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૫

ફેરમાત્ર એટલો હતો કે તેને એક માળ હતો, અને તે ઉપર ન્હાના ન્હાના ખંડ ત્યાં વસનાર દમ્પતીઓને માટે હતા, અને દરેક ખંડની પાછળ ન્હાનો સરખો અગાસીનો કડકો સઉ સઉને નીરાળેા હતેા. આ મઠ “વિહાર” નામથી પણ ઓળખાતો. ત્રણે મઠ વચ્ચે પર્વતની લીલોતરી અને શિલાઓ હતી; અને સાધુઓએ તેમાં ધ્યાનયોગ્ય, તપયેાગ્ય, અને વિહારયોગ્ય કુંજવન કરેલાં હતાં, અને પર્વત ઉપર ઉડનાર પક્ષીઓ તેમાં ટોળાબંધ આવ જા કરતાં.

ભક્તિમૈયા વગેરેનો સાથ કુમુદસુંદરીને લેઈ ખરે મધ્યાન્હે પરિવ્રાજિકામઠના દ્વાર આગળ આવ્યો. શ્રમથી અને ભુખથી કુમુદસુંદરીનું શરીર ગ્રીષ્મના કુમુદ પેઠે મ્લાન થઈ ગયું હતું, પણ નવી સૃષ્ટિના દર્શનથી સતેજ થવા કોમળ પ્રયત્નનો ઉત્સાહ અનુભવતું હતું, માર્ગમાં જ ત્રણે મઠોની સ્થિતિ અને અલખનું રસરહસ્ય એણે સાધ્વીઓ પાસેથી જાણી લીધાં હતાં અને નવીનચંદ્રનો ઇતિહાસ પણ પ્રસંગે પ્રસંગે પુછી લીધો હતો. એના મનના મર્મ જાણનારી ચતુર વત્સલ સ્ત્રીઓયે એની તૃષાને સર્વાંગે તૃપ્ત કરી હતી અને એની નિરાશાના ઉદરમાં આશાને ગર્ભ પ્રકટાવ્યો હતો.

મઠના મધ્યભાગે વિશાળ ચોક હતો અને તેની વચ્ચોવચ એક ઓટલો અને ઓટલા ઉપર એક મ્હોટો તુળસીકયારો અને પીપળો હતાં. તુળસીકયારાને અઠીંગી પીપળાની છાયામાં કુમુદને બેસાડી અને આશપાશ પરિવ્રાજિકાઓ વીંટાઈ વળી અને અનેક સુન્દર પ્રશ્નોત્તરની પરંપરાથી થોડોક કાળ તો અજ્ઞાત જ ચાલ્યો ગયો, અને એક ઓસરીમાં સર્વ ભેાજન કરવા બેઠાં. તે પછી સર્વેની છુટી છુટી ટોળીયો પડી ગઈ; અને કોઈ ટોળીમાં જ્ઞાનની, તો કોઈમાં રસની, અને કોઈમાં રસની તો કોઈમાં વ્યવહારની, વાર્તાઓ ચાલી રહી. કોઈ ટોળીમાં અધ્યાત્મ રામાયણ વંચાવા લાગ્યું, તો કોઈમાં તુળસીના ચમત્કાર પ્રકટવા લાગ્યા.એક સ્ત્રી પૂર્વાવસ્થામાં દક્ષિણી હતી, તે “તુકા”ના અભંગ ગાતી હતી અને બેચાર જણીને મરાઠી-ગુજરાતીમાં છટાથી અને રસથી સમજાવતી હતી. બે ત્રણ ટોળીઓમાં ભજન ગવાતાં હતાં અને સાથે તુમ્બુરા સાજક અને એકતારાના સ્વરનો સંવાદ [૧] થતો હતો.

આ પ્રમાણે રમણીય પવિત્ર કાળવિનોદ કરતાં ઉત્તર મધ્યાન્હ ચાલ્યો ગયો. કુમુદે કંઈક નિદ્રા પણ લેઈ લીધી, અને જાગૃત થતાં પર્વતની


  1. ૧. Concert.