પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૬

ઉત્સાહિની પવનલહરીથી ચારેપાસના સમાજ સાથે ભળી જવા ઉમંગથી પ્રયત્ન કરવા લાગી. તેના મનની સુધરતી દશા જોઈ સાધ્વીઓને પણ આનંદ થતો ગયો, અને સંધ્યાકાળે આકાશમાં ચંદ્રોદય થયો તેની સાથે સ્ત્રીવનમાં કુમુદિની જેવી કુમુદ પણ ઉત્ફુલ્લ થઈ ભાસી. મઠની ઓસરીમાંથી એક બારી પર્વતના એક ઉંડા અતટ.[૧] ભાગઉપર પડતી હતી; તેને જાળીવાળું બ્હાર લટકતું છજું હતું તેમાં કુમુદ બેઠી હતી, અને ઘડીમાં બારીબ્હાર જોતી હતી તો ઘડીમાં બારી પાસે ઓસરીમાં બેઠેલી બંસરી અને મોહિનીની વાતો ધ્યાનથી સાંભળતી હતી.

બારી બ્હારનો અતટ પચાશેક વામ ઉંડો હતો, સુરગ્રામથી આવવાના માર્ગના એક છેડાના દશ પદંર હાથ જેટલી જગાનું વળણ આ અતટને તળીયે આવતું હતું, ત્યાંથી એક પાસના ચ્હડાવ વચ્ચે તેનું મ્હોં દેખાતું હતું, અને એ મ્હોં આગળ એ વળણ દિવસે પણ બારીએ ઉભેલાંની દૃષ્ટિને અદ્રશ્ય થતું હતું. આજે શુક્‌લપક્ષનો મધ્યભાગ હતો અને સંધ્યાકાળથી જ ચંદ્ર આકાશના મધ્યભાગમાં ઉદય પામતો હતેા. અતટ આગળના ઉંડા ઉંડાણમાં એનું શાંત તેજ ચમકતું હતું, અને કાળા કઠણ અંધકાર અને ખડકોના હૃદયની ઉંડામાં ઉડી અને એકાંતમાં એકાંત ખોમાં ચન્દ્રિકાની કોમળ સૂક્ષ્મ પ્રભા ચન્દનના લેપ પેઠે લીંપાઈ જતી હતી, અને એ કઠિનતા અને કોમળતાનું સુન્દર રસિક તેજસ્વી મિશ્રણ આ દેશકાળના દ્રશ્યને તેમ દ્રષ્ટીને [૨] પ્રશાંત ગંભીર કરી દેતું હતું. સુરગ્રામ ગયેલા સરસ્વતીચંદ્રને પાછો આવતો આ ખોના તળીયાને માર્ગે શોધતી કુમુદની આંખ એ તળીયાના અંધકારમાં પણ ફરકતી છાયાઓથી ચમકતી હતી; એની ચિત્તવૃત્તિ ચન્દ્રિકાનું એ ભાગ ભણીનું વ્હેવું આતુરતાથી લક્ષ્યમાં રાખતી હતી; અને તળીયામાં પવન ગુંચવાયાથી સુસવાટ આવતા કે ખડકોની બખોલોમાં ઉગેલાં પાંદડાંને ખખડાટ અથવા તેમની વચ્ચે થઈ નીકળતા પવનનો ધસારો સંભળાતાં એના કાન સજજ અને સાવધાન થઈ જતા હતા.

આવી આતુરતા ભરેલી શાંતિ-અશાન્તિના મિશ્રણસમયે પાસે બેઠેલી બંસરી અને મોહનીની વાતો સાધારણ હત તો તેમાં કુમુદનું ચિત્ત ચ્હોટત નહી, પણ બારી બ્હારનો દેખાવ શાંત ગંભીર છતાં કુમુદને ઉન્માદક હતો તેવીજ આ સાધ્વીઓની ગોષ્ઠી શાંત રસથી ભરેલી છતાં કુમુદના મનોરાગની પ્રોત્સાહક હતી.


  1. તટવગરના, precipice.
  2. ર. જોનારી.