પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૭


બંસરી– મોહની, સામે આ આકાશમાં ચન્દ્ર લટક્યો છે તેના સામે મધુરીમૈયાનો મુખચન્દ્ર તોળાઈ રહેલો છે, પણ એ ચંદ્ર શીતળ અને શાંત છે તેને સટે મધુરીનું પુષ્પજીવન તપ્ત નથી લાગતું?

મોહની– મધુર મધુરી ! ત્હારા પુષ્પજીવનનો જૈવાતૃક ચન્દ્ર આ જ પ્રદેશમાં છે તે જાણી તું શાન્તિ પામ.

કમુદ૦– પ્રિય બ્હેનો ! મ્હારા જીવનને એ ભાન અભાન જેટલું જ સંતાપકર છે. આ આકાશના ચન્દ્રની પ્રત્યક્ષતાથી તેની ચન્દ્રિકાને ભોગવીએ છીયે, પણ મ્હારા ચન્દ્રનો પ્રત્યક્ષ સંયોગ મ્હારે અધર્મ્ય છે અને હું તેની વાસના રાખતી નથી. મ્હારા હૃદયમાં પ્રકટેલો દવાગ્નિ પોતાનું ક્ષેત્ર બાળી દેઈ કાષ્ઠાદિને અભાવે જ શાન્ત થશે.

બંસરી– તમારા સંસારી જનોની સ્થિતિ પ્રમાણે ત્હારું ક્‌હેવું સત્ય છે - ગાઢ પ્રેમની ભરેલી માલતીનાં નિઃશ્વાસ સાથે પણ એવો જ ઉદ્ધાર નીકળ્યો હતો:–

[૧]"ज्वलतु गगने रात्रौ रात्रावखण्डकलः शशी
दहतु मदनः किं वा मृत्योः परेण विधास्यति ।
मम तु दयितः श्लाध्यस्तातो जनन्यलान्वया
कुलममलिनं न त्वेवायं जनो न च जीवितम् ॥

“તમ સંસારી જનોની અવસ્થા આવા લેખોથી અને ત્હારા જેવાં દૃષ્ટાંતથી અમે સમજી શકીયે છીયે. પણ તું હવે અલખ ભગવાનનાં આશ્રમોમાં આવી છે ત્યાં આ ત્હારા સંસારનાં કૃત્રિમ બન્ધન છુટી જશે અને ત્હારું કલ્યાણ થશે.”

કુમુદ૦- બ્હેન, પતિવ્રતાનો ધર્મ તો સર્વ માર્ગમાં એક જ છે અને તેમાંથી ચળવું નહી એવો મ્હારો નિશ્ચય છે.

બંસરી– માલતીનો પણ નિશ્ચય જ હતો અને તે ચળ્યો તે જ વાત ધર્મ્ય ગણાઈ.


  1. *પૂર્ણચંદ્ર ગગનમાં રાત્રે રાત્રે જવાલારૂપે પ્રકટો ! મદન મને બાળી નાંખો ! - મૃત્યુથી વધારે તે એ શું કરવાનો હતો ? હું તો મ્હારા શ્લાધ્યતાતને, વિમળ વંશની જનનીને, અને વિમલ કુળને દયિત ગણું છું તેના અાગળ મ્હારો પ્રિયજન પણ દયિત નથી અને આ મ્હારૂં જીવન પણદયિત નથી – ભવભૂતિ.