પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૯

યુવાને ત્હારાં માતાપિતાએ ત્હારું શરીર આપ્યું તે ત્હારો જાર - હવે ત્હારું પતિવ્રત કેવું તે સમજી લે.

કુમુદે ઉંડો નિઃશ્વાસ મુક્યો અને આંખ ભીની થઈ તે બારી બ્હાર જોઈ લ્હોઈ નાંખી, બ્હાર જોતાં ખોને તળીયે - કંઈક છાયા - કંઈક ઘસારો - લાગ્યો. મોહની ઉઠી, કુમુદની પાસેથી નીચે જોયું, અને એની જોડે એને શરીરે હાથ ફેરવતી બોલી.

“મધુરી, ત્હારા જારને જોવાને સંસારે તને જે દૃષ્ટિ વિવાહના નામથી આપી છે તે દૃષ્ટિ ત્હારી નથી – તે વિવાહ ત્હારો નથી. ત્હારા જીવનો શુદ્ધ વિવાહ તો ત્હારા ચંદ્ર સાથે થયો છે અને ત્હારા હૃદયની દૃષ્ટિ તે તો તેના ભણી વળી ચુકી છે જ. ત્હારી પોતાની દૃષ્ટિ તે આ ચર્મચક્ષુને પ્રવૃત્ત કરનારી એ હૃદયદષ્ટિ જ; – જો જો મધુરી – આ ખોના તળીયા નીચેની છાયાઓ તને ચકિત કરે છે – શું એ છાયાઓમાં ત્હારા પતિને જતો આવતો, તું શંકતી નથી ? તું માતાજીની ધ્વજામાંથી આ સ્થાને ચ્હડી આવી તે એ ચંદ્રના દર્શનને માટે નહી ? એ શંકા કરનારી અને એ દર્શન શોધનારી ત્હારા હૃદયની દૃષ્ટિ તે જ ત્હારી દૃષ્ટિ ! - એ દૃષ્ટિ ત્હારા શુદ્ધ પતિને જ વરી છે અને એ દષ્ટિને લીધે જ તું પતિવ્રતા છે માટે દુષ્ટ સંસારના દુષ્ટ આચારોએ જેના સંસર્ગથી ત્હારી દેહલતાને મ્લાન કરી દીધી છે તેનો હવે સર્વથા ત્યાગ કરી ત્હારા શુદ્ધ સત્વને પામ. મધુરી, ત્હારી દૃષ્ટિ તું ક્‌હે છે તે નહી; ત્હારી દૃષ્ટિ તો હું કહું છું તે જ – જો એણે અત્યારે તને રોમાંચથી ભરી દીધી છે.”

કુમુદ૦- એ સિદ્ધાંતોનો પ્રતિવાદ કે પ્રતિપક્ષ કરવાની મ્હારામાં શક્તિ નથી. મ્હારું ભાવિ તે મ્હેં કહ્યું તેમ બંધાઈ ચુક્યું છે - તેમાંથી મને ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કૃપા કરી ન કરશો.

મોહની– સંસારે ત્હારી બુદ્ધિમાં આટલો બધો ભ્રમ મુકી દીધો છે, અમે તને ભ્રષ્ટ નહી કરીયે – શુદ્ધ સુન્દર કરીશું.

કુમુદ- મ્હારે એવાં શુદ્ધ પણ નથી થવું અને સુન્દર પણ નથી થવું. એ શુદ્ધિ અને સૌંદર્યનો ગ્રાહક મને વિડમ્બનારૂપ થયો છે અને જો મ્હારું કલ્યાણ ઇચ્છો તો એ વિડમ્બનામાંથી મને મુક્ત કરો અને તમારા સત્સંગની શાન્તિ આપો.

મોહની ગમ્ભીર થઈ દયા આણી બોલીઃ “ તે યે પ્રાપ્તકાલ થશે ત્યારે મળશે. પણ મધુરી મૈયા, ક્‌હે વારું - તું તે ત્હારું શરીર કે ત્હારો અન્તરાત્મા ?”