પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૨

અલખ-ગાન જેના હૃદયમાં ઉતરે છે તે તો, જગતના શ્રવણ માટે – કલ્યાણ માટે જ – પોતાના એ અલખ ગાનને સાકાર કરી, લખગાન કરી ર્‌હે છે. એવાં નારદ અને સરસ્વતીઓ તો બ્રહ્મદેવનાં એટલે કામદેવનાં મોઘાં બાળક છે અને બાકીના સંસારીઓને સ્વબન્ધુ ગણે છે. એ બ્રહ્માનાં બીજાં બાળકોની પ્રવૃત્તિથી જગતની વૃદ્ધિ છે. આપણા નારદ ગણ ગુરુજીની પરિચર્યાના ગાનમાં મગ્ન ર્‌હે છે. આપણી સરસ્વતીઓ આ મઠમાં વીણાધારિણી થઈ ર્‌હે છે. અને બાકીની આપણી સૃષ્ટિ વિહાર મઠમાં પ્રદ્યુમ્નજીનું પાલન કરે છે અને શ્રીયદુનંદનની સેવા કરે છે.

બંસરી– સંસારીઓ કામદેવનું પાલન કરે અને સાધુજન પાલન કરે તેમાં શો ફેર ? સંન્યાસી અને અલખ યોગીના વૈરાગ્યમાં શો ફેર ?

મોહની– ચંદ્રાવલીના હૃદયના પતિમાં અને મધુરીના શરીરના જાર પતિમાં જેટલો ફેર છે એટલો સાધુના અને સંસારીના મન્મથ-પોષણમાં ફેર. ચંદ્રાવલીનો હૃદયપતિ અલખયોગી છે અને મધુરીને હૃદયપતિ આજ સુધી એને અશરણ કરી નાંખનાર સંન્યાસી હતો. હવે થાય તે ખરો.

કુમુદ- “જાર ” શબ્દ મ્હારા હૃદયને ખુંચે છે – હું તે પુરુષને જ આ શરીરનો અધિકારી સમજું છું - એ શ્રદ્ધામાંથી મને ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરો તો હું તેના સામે હજી ટકી શકીશ. પણ તેની આમ નિન્દા કરો તે મ્હારાથી વેઠાતી નથી.

બંસરી- માટે જ તું મધુરી છે, મધુર જનેતાની હૃદયવૃત્તિને મૂર્ખની કે દુષ્ટની કે શત્રુની પણ નિન્દા ગમતી નથી. તેમના હૃદયમાં મધુરતા એટલી ગાઢ હોય છે કે નિન્દાના કણમાત્રની ખારાશથી એ મધુરતા અસ્વસ્થ થાય છે.

કુમુદની સાથે છજામાં બેઠેલી મોહની એને ઉમળકાથી આલિંગન દેતી બોલી: “મધુરી, તને જે શબ્દ વિષમ લાગે તે અમે અવશ્ય નહી કહીયે અને તને સુખી કરે એવા જ ઉચ્ચાર કરીશું. उपकारिषु यः साधुः साधुत्वे त्स्य को गुणः । अपकारिषु यः साधुः स साधुः सद्भिरुच्यते ॥ ત્હારા ઉપર આટલું આટલું વીતાડનારને માટે ત્હારું અંત:કરણ આટલું દ્રવે છે તે ત્હારી મધુરતાને અમે ખારી નહી કરીયે. પણ પ્રસ્તુત પ્રકરણના દૃષ્ટાન્તમાં કંઈ પદાર્થ ત્હારા સંસારમાંથી લેઈએ તો ક્ષમા કરજે. અમે લખ–ભગવાનની વિભૂતિને લખ કરી તે દ્વારા અલખ જગવીયે છીયે, માટે ત્હારા સંસારને પણ લખવિભૂતિના અંશ ગણી તેની કથા કરીશું.

કુમુદ- જો મ્હારા હૃદયને શાંત કરવાને માટે તમે એમ કરતાં હો તો ભલે. પણ