પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૩

એ હૃદયના મર્મસ્થાન ચુંથાય એ વિના અન્ય ફળ ન થાય, એવી વાત છેડશો નહી.

મોહની– બાઢમ્ – મહારી મધુરી – બાઢમ્. અમે સર્વથા તેમ કરીશું. તો શાંત થા અને સાંભળ. એક કાળ એવો હતો કે સંસારમાં આઠ જાતના બધા મળી એટલે શુદ્ધ વિવાહ અને અશુદ્ધ વિવાહ ઉભય હતો. કાળાંતરે સંસારે ગાન્ધર્વવિવાહને વર્જ્ય ગણ્યો, પણ અમ અલખ માર્ગના યોગીકુળમાં તો એટલો એ વિવાહ જ પ્રશસ્ત અને અન્ય વિવાહનું મૂળરૂપ ગણ્યો છે. જગતનું કલ્યાણ તેથી જ છે એમ માનીયે છીયે, અને તેનું કારણ એટલું કે ભગવાન મદનનો સ્વયંભૂ અવતાર બે હૃદયમાં સંપૂર્ણ કલાથી પ્રકટે એટલે તેમાં અલખની લખવાસના પ્રકટ થઈ ગણીયે છીયે, અને જે અલખનાં પ્રત્યક્ષ દર્શનનાં અધિકારી નથી તેને તે અધિકાર પામવાનો એક માર્ગ મન્મથના સ્વયંભૂ અવતારનું જ્યોતિ ઝીલવામાં છે.

બંસરી– તે તો સંસારીયો પણ ઝીલે છે.

મોહની– ના, એમ નથી. મદનનો અવતાર એક નથી. મદનવૃક્ષની સ્થિતિ ત્રણ અને અવતાર અનેક છે કામ, ભોગ અને પ્રીતિ એવી ત્રણ આ વૃક્ષની સ્થિતિ છે એ વૃક્ષનાં પૃથ્વીતળે ગુપ્ત રહેલાં બીજ અને મૂળની દશા એ કામ; પૃથ્વી બ્હાર અનેક રસનલિકાઓથી – નસોથી - તરવરતું થડ તે ભોગ; અને પત્ર, પુષ્પ, ફલસમૃદ્ધિ તે પ્રીતિ, રતિ, આદિ નામથી [૧] શાસ્ત્રકારે વર્ણવી છે. હવે મદનના અવતાર પુછો તો અનેક છે. પણ પ્રધાનપક્ષ આંગળી વ્હેડે ગણાય એટલા ચાર છે. પાશવ કામ, જાર કામ, પરિશીલક કામ, અને પુત્રાયિત કામ. પશુ જાતિનો કામ તે પાશવ કામ; તેમાં ધર્મવૃત્તિ નથી, અધર્મવૃત્તિ નથી, ને સંકલ્પસૃષ્ટિ નથી - માત્ર ચાક્ષુષાદિવૃત્તિથી ભોજ્યસૃષ્ટિની દૃષ્ટિસાથે કામવૃક્ષનું બીજ રોપાય છે અને સ્થૂલ ભોગથી પ્રીતિને ફાલ થાય છે. બીજો જારજનનો કામ તે જારકામ; એમાં ચક્ષુઃપ્રીતિ, મનઃસંયોગ, આદિ બીજદશાની પરંપરાથી કામનો અવતાર થાય છે, અને સંકલ્પસૃષ્ટિ સૂક્ષ્મ થઈ શકે છે; પણ તે કામ નિરંકુશ છે, અધર્મ્ય છે, મનુષ્યજાતિમાં અવ્યવસ્થા અને વર્ણસંકરનો પ્રેરક છે. પુરૂષને અન્ય પુરુષાર્થોમાં બાધક અને વિક્ષેપક છે, સ્ત્રીજાતિની સમષ્ટિના શારીરક તેમ આર્થિક – એટલે જીવિકાના - કલ્યાણનો પરિણામે પ્રધ્વંસક


  1. ૧. रसो रतिः प्रीतिर्भावो रागो वेगः समाप्तिरिति रतिपर्यायाः x x फलावस्था रतिः x x फलावस्थायां सुखत्वेन चित्तपरिस्पन्देन रमणाद्रतिः । (કામશાસ્ત્રકારો)