પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૪

છે, અને સંતતિનાં સર્વ સદ્ભાગ્યનો ઉચ્છેદક છે. નિરંકુશતાનો નિરંકુશ સ્વાદ–મોહ એ જ આ વૃક્ષનો બીજાત્મા છે અને એનું ભયંકર વિષ મરણ સુધી પ્હોંચ્યાં કરે છે. પરિશીલક [૧] મદન સંવનન [૨]કાલથી વિવાહ સુધી બીજદશામાં ર્‌હે છે, અને વિવાહ પછી જ તેની ભોગદશા અને રતિસમૃદ્ધિ ઉદય પામે છે. આમરણાન્ત, સંયોગે તેમ વિયોગે, એ ઉદય આકુઞ્ચન સમ્પ્રસારણ પામતો પામતો, દમ્પતીનાં હૃદયમાંના સ્નેહમય અલખનું અદ્વૈત લખ કરાવે છે, અને નિષ્કામ વાસનાથી શારીરક કામને, બાલિશ પુત્રવત્, ક્વચિત્ લાલન આપે છે તો કવચિત્ તેને અંકુશમાં મુકી, લખરૂપને તેમ અલખરૂપને લક્ષ્ય કરે છે. વિવાહપછીનો એ પુત્રાયિત કામ અને તજ્જન્યપ્રીતિ કીટભ્રમરીન્યાયથી આધ્યાત્મિક થઈ જાય છે - આ દમ્પતી પરસ્પરનાં સ્થૂલ શરીર જોતાં જોતાં સૂક્ષ્મ શરીર જોવા લાગે છે અને તેમાંથી પરસ્પરનાં અધ્યાત્મસ્વરૂપ પ્રત્યક્ષ કરી તેનો ભોગ અને તેની રતિને પામે છે. એ ઉચ્ચતમ સૂક્ષ્મ પ્રીતિ અલખના વિહારવાસીઓને જ પરિચિત છે. સુન્દરગિરિ બ્હારના સંસારી જન એટલી તો અધોગતિને પ્રાપ્ત થયા છે કે આ અધ્યાત્મપ્રીતિનું સ્વપ્ન પણ જોઈ શકતા નથી. મધુરી ! મ્હારી મધુરી ! ત્હારાં મનનાં પતિના સંયોગથી તું આ પ્રીતિને પામત અને તેનું માહાત્મ્ય અનુભવત; તે શુદ્ધ પ્રીતિમાંથી ત્હારા આ માની લીધેલા પતિના સંયોગથી તું ભ્રષ્ટ થઈ ! શું એ ભ્રષ્ટ સંસારના અધોગત આચારવિચારમાંથી અમે સાધુજનોનો સંગ તને ઉદ્ધાર નહી આપી શકે?

કુમુદ વજ્રમય હૃદય કરી બોલી: “મોહનીમૈયા, જે સ્વપ્નનું બીજ ઉડી ગયું તેની વાત પડતી મુકો. એ બીજદશાનું માહાત્મ્ય મને મ્હારા ઇષ્ટ જનના માહાત્મ્યનું સ્મરણ કરાવે છે, અને હું શુદ્રી જેવી એ મહાત્માના દર્શન કરવાને માટે જ આવી છું - તેના દર્શનથી તૃપ્ત થવું એટલો જ મ્હારો અધિકાર છે અને એટલો જ મ્હારો ઉદ્ધાર છે, એથી વધારે લોભ તે અતિલોભ છે ! એમાં મ્હારો ઉદ્ધાર નથી, વિનિપાત છે. કૃપા કરી તે સંબંધે પ્રશ્ન ન પુછતાં એ માહાત્મ્યનું જ પ્રકરણ ચલાવો; કારણ અમ સંસારી જનોના આચાર વિચાર કરતાં તે જુદી જાતનો તમ સાધુજનોનો ઉત્કર્ષ મને એટલું આશ્વાસન આપે છે કે મ્હારા હૃદયશલ્યનું ઉન્મૂલન કરવાની મ્હારી અશક્તિને હું અપવિત્ર ગણતી હતી તે નિર્દોષ છે એટલું


  1. ૧. शील = મનથી ધ્યાનમાં આરોપવું. પરિશીલક એટલે વારંવાર શીલન ક૨ના૨.
  2. ર. સંવનન=લગ્ન પહેલાં સ્ત્રીને વશ કરવાનો પ્રયત્ન = Courtship, wooing.