પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૮

વિવાહથી આ સર્વ પૂજા સમાપ્ત કરીએ છીએ અને મદનની કેવળ-પરિશીલક દશા પણ સમાપ્ત થાય છે.

કુમુદ– પરિશીલન, સંવનન આદિ શબ્દોના અર્થ સમજાવો. તમારામાં લગ્નવિધિ નહી ? તમારામાં બાલવિવાહ સમૂળક નહી? વિધિ નહી તે વિવાહ કેવો? વિવાહ નહી તો પછી વૈધવ્ય શાનું !

બંસરી હસી પડી– “મધુરી, આજ તો તું છેક મુગ્ધા થઈ ગઈ ! એથી પણ એાછી ન્હાની બાલા થઈ ગઈ ! – કે આ પ્રશ્નો પુછે છે! નવીનચંદ્રજી જેવાનું પરિશીલન પામી આ પ્રશ્નો તું પુછે છે તે કેવી નવાઈ ! ”

મોહની - બંસરી, સુરગ્રામમાં સંસારીઓનો સંસર્ગ મને થયો છે તેથી જાણું છું કે આપણને જેમ મધુરીના સંસારથી આશ્ચર્ય લાગે છે તેમ આપણા મદનવૃક્ષથી તેમને પણ આશ્ચર્ય લાગે છે. મધુરી, અમારા વિહારમાં મદનવૃક્ષ, જેને મદનપ્રરોહ પણ કહીયે છીયે, તેની મૂળ વ્યવસ્થા કામસૂત્રકારોએ સંસારમાટે લખેલાં શાસ્ત્રો ઉપરથી કરી છે. પણ જેમ સંસારીઓ અન્નપાન અને વિહારનું ફળ શારીરક પોષણ અને આનન્દમાં શોધે છે તેમ અમે તે સર્વનું ફળ લખરૂપના પોષણમાં અને અલખ આનંદના બેાધનમાં શોધીયે છીએ અને તેટલા પ્રયોજનને ઉદ્દેશી અમારા રહસ્યસિદ્ધાન્તીઓએ, કામશાસ્ત્રકારોના આશય લેઈ શ્રીકૃષ્ણપુત્ર કામદેવનું માહાત્મ્ય સમજી, તેને અંગે અમારા મદનપ્રરોહની વ્યવસ્થા કરેલી છે. આથી કામશાસ્ત્રની,પરિભાષામાં અલખ પ્રીતિના અર્થનો ગુમ્ફ ગુંથી એના જ શબ્દોમાં જુદું પારિભાષિક સમજીયે છીયે. જો, શીલ શબ્દ મૂળ ગતિવાચક છે. કોઈને પ્રાપ્ત કરવું તે તેનું શીલન. કોઈના હૃદયને પ્રાપ્ત કરવું તે પણ તેનું શીલન. परितः ચારે પાસથી વારંવાર શીલન કરવું તે પરિશીલન. એ શબ્દોનો પ્રયોગ ઘણાં રમણીય સ્થાનમાં થાય છે. यदनुगमना यगहनमपि शीलितम् - એમાં ગહનના અંતર્ભાગમાં પ્રાપ્ત થવું અને તેની ભુલભુલામણીના રહસ્યને પણ પ્રાપ્ત કરવું એ ઉભય અર્થ છે. स्मेरानना सपदि शीलय सौधर्मालिम् – તેમાં સ્ત્રીએ પુરુષને અને તેનાં હૃદયરહસ્યને પ્રાપ્ત કરવાનો અર્થ છે. चल सखि कुञ्जं सतिमिरपुञ्जं शीलय नीलनिचोलम् – એમાં નીલ વસ્ત્રમાં લપટાઈ જવાનો અર્થ છે. નીલવસ્ત્ર જેવા અલખ હૃદયનું રહસ્ય પામવા પણ તેમાં એમજ લપટાવું પડે છે. વળી शश्वच्छतोसि मनसा परिशीलितोसि – એમાં એ શબ્દના સર્વ અર્થોની કળાઓ આવી જાય છે. शीलन શબ્દ આમ ગતિવાચક અને સમાધિવાચક પણ છે. એક હૃદયે બીજા હૃદયમાં, વસ્ત્રના હૃદયમાં શરીર થાય તેમ, સમાહિત થવું તે તેનું