પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૦
युवासोऽयंप्रेयानिह सुवदने मुञ्च जडताम्
विधातुर्वैदग्व्यं फलतु सकामुऽस्तुमदनः૧.[૧]

यस्यां मनश्चक्षुपोर्निबन्धस्तस्यामृद्धि:।। नेतरामाद्रियेत ॥ જે જનમાં ચક્ષુને લખ નિબન્ધ અને મનનો અલખ નિબન્ધ તે જનમાં જ આદર કરવો, તે જનમાંજ ઋદ્ધિ છે અને અન્યજનમાં નથી. આ નિબંધ ભગવાન્ મન્મથ રચે તે પછી સંવનનકાળે અને પરિશીલનદશામાં સ્ત્રીપુરુષ આ મન્મથના મન્થનથી તપ તપે છે અને તે ત૫માં સિદ્ધ થાય ત્યારે પરસ્પર- સંકલ્પની પરિપાકદશા થતાં જે પ્રતિજ્ઞાઓ થાય તે ગાંધર્વ વિવાહ. હૃદયનો વિવાહ તો પરિશીલનની મંગલ સમાપ્તિ થતાં જ થયો સમજવો; પણ એ અલખ વિવાહમાં લખશરીરનો ભાગ છે માટે લખ પ્રતિજ્ઞાઓ વડે લખ ગાન્ધર્વ વિવાહમાં ઉચિત છે. મધુરી, હું અને ત્હારા ચંદ્રે આ તપ સાધ્યું છે, ત્યારે પ્રિયજન આ ગિરિરાજ ઉપર છે, અને તું પણ અહીં અલખની પ્રેરી આવેલી છે, તો ત્હારી માલતીના જેવી જડતાને અમે ત્યજાવીશું અને આવાં સુંદર હૃદય ઘડવામાં વિધાતાએ જે ચાતુર્ય વાપર્યું છે તેને તમારા સંયોગથી અમે સફલ કરીશું અને પરિશીલનદશામાં કામનો કામ અપૂરિત રહેલો છે તેને પૂરી અમે મન્મથનું પણ સફળ પૂજન કરીશું.

કુમુદ પોતાને માટે આ સર્વ વાતમાં પોતાનું નામ સાંભળવું તે પાતક ગણતી હતી અને પોતાનું નામ એમાંથી દૂર રખાવવા પ્રયત્ન કરતી હતી – તેણે હવે ધૈર્ય ખોયું અને ચમકી બોલી ઉઠી.

“મોહનીમૈયા, જો તમારો આવો વિચાર હોય તો મને સત્વર પાછી ચન્દ્રાવલીમૈયા પાસે મોકલી દ્યો કે જ્યાં હું પુરુષનું નામ પણ ન સાંભળું. તમારી કથા જેટલી રમણીય અને બોધક લાગેછે એટલા જ તેમાં આવતા મ્હારા અને મ્હારા પતિસંબંધમાંના ઉદ્ગાર મને કડવા લાગે છે. તમ સાધુજન સ્વયંવર કરો તે ભલે કરો. કન્યાઓ જ્યાં જાતે પોતાનું દાન કરે ત્યાં તમે ક્‌હો છો તે સત્ય હો. પણ મને તો મ્હારા પિતાએ જેને અર્પી તેનું આ શરીર આમરણાન્ત થઈ ચુકયું છે, અને હૃદય ઉપર તો બળ નથી પણ બાહ્યવ્યાપાર તો મ્હારા પિતાએ વરાવેલા વરને જ શરણ રાખીશ.

મોહની - હં - “હૃદય ઉપર બળ નથી” તે જ સત્ય છે. મ્હારી મધુરી, જડ શરીરનો વિવાહ નથી, પણ ચેતન હૃદયનો વિવાહ છે. વિવાહ


  1. ૧.માલતીમાધવ.