પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૧

હૃદયનો છે અને શરીરનો વિવાહ જેને શાસ્ત્રકારો “વરણ-વિધાન ” ક્‌હે છે તે તો માત્ર તેનું ઉપકારક ઉપલક્ષણ છે. સ્થૂલ શરીરનો વિવાહ સ્થૂલ છે – જડ છે. અમે સૂક્ષ્મ ચેતન વિવાહનો જ સત્કાર કરીયે છીએ જો.–

व्यूढानां हि विवाहानामनुरागः फलं यतः।
मध्यमोपि हि सद्योगो गान्धर्वस्ते पूजितः।।
सुखत्वादबहुरक्लेशादपि चावरणादिह
अनुरागात्मकत्वाच्च गान्धर्वः प्रवरो मतः [૧]।।

મધુરી, ગાંધર્વને ઉત્તમ ગણવાનાં આમાં કારણ ગણાવ્યાં તેમાં એક તો તેની અનુરાગાત્મકતા છે અને બીજું કારણ આવરણ એટલે વરણ વિધાનનો અભાવ છે. શકુન્તલાદિનાં દૃષ્ટાંત પછી પુરુષોથી કન્યાઓ વઞ્ચિત થાય નહી માટે વરણવિધાન પ્રશસ્ત ગણ્યું, પણ તે વિધાન થયું એટલા માટે પરિશીલનની અને સંવનનની આવશ્યકતા મટી જતી નથી. સંસારી જનોએ તે મટાડી અને વિવાહને કેવલ સ્થૂલ કરી નાંખ્યો માટે તે ભ્રષ્ટ થયા. તેમનાં શરીર ત્હારા જેવાં તે જો ! કેટલાં નિર્બળ ! તેમના સંસાર જો ! સુખમય નહી, પણ કષ્ટમય ! સંસારી જનો સદાચારને છોડી દુરાચારમાં અને દુઃખમાં પડવાના માર્ગ ઉપર ભ્રષ્ટ થયા છે ને તેનાં ફળ ભોગવે છે ને ભોગવશે. મધુરી, એ માર્ગે ચ્હડી ત્હારા પિતાએ ત્હારા શરીરનું વરણવિધાન કર્યું તેથી ત્હારા અલખ વિવાહને બાધ નથી આવતો. ધાર કે નવીનચંદ્ર જોડે ત્હારું વરણવિધાન થયું હત અને તેમાં સ્ત્રીમંડળ બેચાર ગીત ગાવાં ભુલી ગયાં હત – તો તેથી ત્હારો વિવાહ અપૂર્ણ ર્‌હેત?

કુમુદ-ના.

મોહની - તેઓએ વરધોડે ક્‌હાડ્યો હત નહીં અથવા જ્ઞાતિભેાજન કર્યું હત નહી તો ?

કુમુદ - તો પણ કંઈ નહી. સપ્તપદી એક જ આવશ્યક વિધિ છે.

મોહની – તો नेति नेति કરી અલખ આત્માનું અભિજ્ઞાન થાય છે તેમ नेति नेति કરી અલખ મન્મથના અવતારમાં જ વિવાહનું તત્વ તને દર્શાવીશ. સપ્તપદીમાં પગલાં વાંકાં ચુકાં મુકાયાં હત તો ?

મોહની – તેમાં પ્રતિજ્ઞાના શબ્દો ત્હારે ઠેકાણે ત્હારો ગોર બોલ્યો હોય તો?

કુમુદ – તે તો નિત્ય થાય છે જ.


  1. ૧. કામતન્ત્ર.