પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૪૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૭

નિરાશ અને શ્રાંત થઈ અશ્રુ રોકી કુમુદ બોલી.

મોહની – પણ તે શા માટે ? નવીનચંદ્ર પ્રતિ ત્હારે શું કાંઈ ધર્મ નથી? સંસારી જનોએ કરેલી ત્હારી વિવાહવઞ્ચનાએ શું એ ધર્મમાંથી તને મુક્ત કરી ?

સ્થિર સ્વરે કુમુદ બોલી:- ધર્મ-અધર્મનો વિચાર મને હવે સ્પષ્ટ થતો નથી. પણ મ્હારી વિવાહઞ્ચના થઈ નથી. મ્હારી વિવાહ–પ્રતિજ્ઞાઓ મ્હેં બોધસહિત કરી છે; તેના અર્થગામ્ભીર્યનું પ્રમાદથી મ્હેં મનન ન કર્યું. પણ જેને એ પ્રતિજ્ઞાઓ આપી તે સાથે અસત્યવાદિની તો હું નહીજ થાઉં, તેમાં તમારા મુખમાંથી એ પ્રતિજ્ઞાઓના માત્ર આજ આમ સ્પષ્ટ સાંભળીને તો હું એટલો નિશ્ચય કરું છું કે આ શરીર એ પતિને પરાયણ ર્‌હેશે. મોહનીમૈયા, આ પાસેની ખેામાં ભરેલા અન્યધકારના ઉપર ચ્હડી ચન્દ્ર જેમ આવો પ્રકાશ ભરે છે તેમ તમારા બોધ મ્હારા હૃદયમાં આજ શાંત મંદ પ્રકાશ ભરે છે, અને તેથી હું બે વાનાં પ્રત્યક્ષ કરું છું. પ્રથમ તો ખેાની બ્હારના સ્પષ્ટ સુન્દર પ્રકાશમાં ન્હાતી આ આકાશમાંની અને પૃથ્વી ઉપરની સૃષ્ટિ જેવી તમ સાધુજનની સ્વતંત્ર પવિત્ર સુન્દર પ્રીતિસૃષ્ટિ જોઉં છું. પછી આ ખોને મુખે આ જાળીમાં કેદ થયેલી મ્હારી આંખ, બ્હાર, ખેામાં, અને આ સ્થાનમાં જુદી જુદી સ્થિતિ જુવે છે તેવી જ મિશ્ર ગતિવાળા મ્હારા અનેક પ્રીતિપ્રવાહોને જોઉ છું – પણ આ બ્હારના પ્રકાશમાં ન્હાવાનો અધિકાર આ જાળીમાં ર્‌હેલા પ્રાણીને નથી તેમ મ્હારા ચંદ્રના પ્રીતિપ્રવાહમાં ન્હાવાનો અધિકાર આ પ્રતિજ્ઞાજાળીમાં બેઠેલી હું છું તેને નથી.

મોહની૦- આ મધુરતમ્ વાક્યો પાસે હું નિરુત્તર છું, મેધાવિની, અલખ મતના કામશાસ્ત્રમાં મને નિરુત્તર કરનારી તું મળી, પણ આ જાળી બ્હાર તને કીયે માર્ગે કેવી રીતે લેવી અને અલખ પ્રીતિનો આનન્દ તને કેમ અપાવવો એ શોધ હું હજી કરીશ.

કુમુદ- તમે એ શોધ કરશો તો પણ આવા પવિત્ર વૈરાગ્ય પામેલા મ્હારા ચન્દ્રને હું મ્હારા યોગથી ગ્રસ્ત થયો જોવા ઇચ્છતી નથી.

મોહની– તે ઈચ્છા પુરવીન પુરવી એ તો અલખનું કામ છે – ત્હારું નથી.

કુમુદ - ભલે, પણ જેને હું મ્હારું કલ્યાણ ગણતી નથી તેનો લાભ મને અપાવવા તમારે શા માટે આટલો આગ્રહ ધરવો ?

મોહની – અલખનું કામશાસ્ત્ર જાણનારી મોહની ત્હારી અલખ વાસનાઓ વધારે સમજી શકશે.