પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧]"वयोऽवस्थां तस्याः शृणुत सुहृदो यत्र मदनः
प्रगल्भव्यापारश्चरति हृदि मुग्धश्च वपुषि ॥"

છેટે ચરણસંચાર સંભળાયો. ભક્તિમૈયા અને વામની મઠમાં આવ્યાં. મોહની અને બંસરી સામાં આવ્યાં.

“સર્વ વ્યવસ્થા થઈ ગઈ : ” વામની બોલી.

ભક્તિ૦– વિહારમઠના કુંજવનમાં યમુનાકુંડ પાસે મંડપ બંધાશે, ત્યાં ચંદ્રેાદયકાળે રાસલીલા આરમ્ભાશે. તે પ્હેલાં સાયંકાળે ગુરુજી સર્વ સાધુમંડળની નિરીક્ષા કરી લેશે. નવીનચંદ્રજી ગુરુજી સાથે ફરવા નીકળશે. રાસલીલામાં તેમનું આકર્ષણ કરવાનું બાકી છે. મધુરીમૈયાને ક્યાં ક્યાં લેવી તે વિચારવાનું છે.

મોહની – તમે ધારો છો તેવું સુલભ કામ નથી.

બંસરી– સંસારે બનાવેલી સંપ્રત્યયાત્મ પ્રીતિની પ્રતિજ્ઞા તેની અલખ પ્રીતિને ફળવા દે એમ નથી.

મોહની– ત્હારી ભુલ છે. એવાં બન્ધન માલતીએ તોડ્યાં હતાં ને મદયન્તિકાએ પણ તોડ્યાં હતાં.

ભક્તિ૦– એ બન્ધનમાં એને રાખવી કે ન રાખવી એ વિચાર શ્રી અલખ ભગવાનનો છે, આપણું કામ એટલું છે કે તપ્ત લોહને તપ્ત લોહનો યોગ કરાવવો: तप्तेन तप्तमयसा घनाय योग्यम् . [૨] આપણા હૃદયે ધારેલો યોગ અનવસર હોય તે મન્મથ અનંગ જ ર્‌હેશે અને શરીર ધરી રતિને નહીં વરે.

મોહની – તે તો અવતાર ધરી ચુક્યા છે.

ભક્તિ – તેણે અવતાર ધર્યો છે કે નહી તે તો તેને અવતાર આપનાર શ્રી યદુનન્દન જાણે. તું અને હું ન જાણીયે.

બંસરી – ત્યારે આપણું કર્તવ્ય શું ?

ભક્તિ – દૃષ્ટિ પડે અને સત્ય જણાય તે પછી જ ધર્મ જણાય. નવીનચંદ્રજીને મધુરીની અવસ્થા વિદિત થાય તે પછી તેના હૃદયમાં શું લખ થાય છે તેનાં આપણે સાક્ષી થવું. તેમની બેની વાસનાઓ આપણને લખ થાય


  1. ૧. સાધુ સુહૃદયવાળી તે પ્રિયાના વયની અવસ્થા શુણો ! એના હૃદયમાંમદન પ્રગલ્ભપણે પોતાના વ્યાપાર ચલાવ્યે જાય છે અને એના શરીરમાંમુગ્ધપણે સંતાઈ ર્‌હે છેઃ -ભવભૂતિ.
  2. ર. કાલિદાસ. “તપેલા લોહ સાથે તપેલું લોહ ઘટાવવું યોગ્ય છે.