પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૧

તે પછી વિચાર કરવો કે તેમનો સુન્દર યોગ કરાવવા દૂતીધર્મ પાળવો કે તેમને શાન્ત વૃત્તિ પમાડવા અલખ પરમાત્માનું બોધન કરવું.

મોહની – ભક્તિમૈયા, બહુ જ સૂક્ષ્મ દૃષ્ટિથી કહ્યું. ગુરુજી નિરીક્ષા કરવા આવે ત્યારે નવીનચંદ્રજી મધુરીનું અભિજ્ઞાન પામે એવો યોગ રચવા, અને રાસલીલાને અવસરે નવીનચંદ્રજીની વાસના દૂરથી જાણી લેવી અને તે પ્રમાણે પછીને વિચાર કરવો.

ભક્તિ૦ – યોગ્ય છે.

બંસરી – પણ મધુરીની ગુહાપરંપરામાં પ્રવેશ પામવો શી રીતે? સપ્તપદીની લખ પ્રતિજ્ઞા અને પરિશીલનના સમાવર્તનની અલખ પ્રતિજ્ઞા વચ્ચે ખેંચાતી મધુરીમૈયાના વીંધાતા મર્મ કેઈ વાસનાથી શાન્ત થશે તે પ્રથમ જાણવું વધારે આવશ્યક નથી?

ભક્તિ – એ પણ સત્ય છે.

મોહની – તેનો વિચાર કરવાને આખી રાત્રિ છે.

વામની૦ – પેલી બારીએ તાળું વાસ્યું છે?

મોહની૦ – કેમ ?

વામની૦ – નિરાશ हृદયનું પ્રેરેલું શરીર સમુદ્રમાંથી બચ્યું તેને આ બારીબ્હાર પડવાનો પણ માર્ગ છે.

બંસરી૦ - હવે તે હૃદય નિરાશ નથી.

ભક્તિ૦ - ના. પણ ઠીક કહ્યું. ચન્દ્રાવલીનું મૂર્ત્ત હૃદય આજે આપણે આણેલું છે. વામની, જા, તાળું વાસી આવ.

વામની તાળું વાસવા ગઈ.

સર્વ સ્ત્રીઓએ કુમુદની આશપાશ ધાબળીઓ પાથરી અને સુતી.

નિદ્રાવશ થતી થતી વામની બોલી.

“ભગવન્ મન્મથ! અલખનાં લખ રૂપ કેટલાં છે ? મનુષ્યાવતારનાં હૃદયને ઉદ્ધાર આપવાનાં સ્થાન કેટલાં છે? પણ શ્રી અલખની ઈચ્છા એવી છે કે યુવજનનો પક્ષપાત તો ત્હારા ઉપરજ થાય !

૧.[૧] "कति कति न वसन्ते वल्लयः शाखिनो वा
"किसलयसुमनोभिः शोभमाना वभूवु: ॥

  1. ૧. વસન્ત ઋતુમાં કેટલી કેટલી વેલીઓ ને કેટલા કેટલા વૃક્ષ કળીએાથી અને પુષ્પોથી શેભિત ન થયાં? પણ યુવાનોને અને યુવતિઓને વ્હાલો તો અભિનવ કલીયોના ભારથી લચેલો માત્ર એક રસાલ (આંબો) જ થયો ! (પ્રકીર્ણ.)