પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૫૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૭

જિવ્હા ઉપર અનેક નિમિત્તો ચ્હડી આવે છે તેથી તું જાતે પણ ઠગાય છે, પણ સત્ય વાત સાંભળી લે. અંતર્માં કોપેલી ચંડી ! સાંભળી લે ને કોપ ઉતારી શાણી થા.

[૧]"अधिगतमखिलसखीभिरिदं तव वपुरपि रतिरणसज्जम्
चण्डि रसितरशनारवडिण्डिममभिसर सरसमलज्जम् ॥
स्मरशरसुभगनखेन सखीमवलम्ब्य करेण सलीलम्
चल वलयक्वणितैरवबोधय हरिमपि निजगतिशीलम् ॥

કુમુદે દીર્ઘ નિઃશ્વાસ મુક્યો. તેની આંખમાં પળવાર આંસુ આવ્યાં, પળવાર રતાશ ચ્હડી આવી, અને વળી આંસુ ઉભરાયાં, “બંસરીમૈયા, આ હૃદયના અગ્નિને તેના ભસ્મમાં છવાયેલો જ રહેવા દ્યો. તમને જે ક્રિયા માંગલિક અને સુખરૂપ લાગે છે તે મને અધર્મ અને દુઃખરૂપ થઈ પડે છે– વિપરીત થઈ પડે છે નક્કી, તમારા હૃદયમાં મ્હારી વિડમ્બના ઇષ્ટ નહીજ હોય !”

સાધુસ્ત્રીઓને આ સાંભળી હસવું આવ્યું. પણ ભક્તિમૈયા દયા દર્શાવી બોલી.

“બેટા મધુરી, સુખમાર્ગ દુઃખરૂપ લાગવાનાં ઘણાં કારણ હોય છે, અને સ્ત્રીયોને વિશેષ હોય છે. તેમાં તું જેવીમાં તો તે આમ અતિશયપણું પામે તેમાં કાંઈ નવાઈ નથી. આપણ સ્ત્રીજાતનાં હૃદય કોમળ કહીયે છીયે તે એટલા માટે કે તેમાં ઘાત પડતાં જેવી વાર લાગતી નથી તેવીજ તેમાંથી પ્રત્યાઘાત થતાં પણ વાર લાગતી નથી. ત્હારી પાસે સુખ દુ:ખરૂપ થાય છે તેની ચિકિત્સા પણ અમારા શાસ્ત્રમાં છે. અને ત્હારે તેથી કોઈ જાતની ભીતિ રાખવી નહી. તેમજ અમે તે નવીનચન્દ્રજીના હૃદયમાં ત્હારે માટે પ્રેમ જ કલ્પીએ છીએ તેના પ્રેમનો તું તિરસ્કાર કરતી દેખાય છે તે પણ તિરસ્કાર નથી પણ તિરસ્કારાભાસ છે – એવી અમારી ચિકિત્સા છે.

"स्निग्धे यत्परुषासि यत्प्रणमति स्तब्धासि यद्रागिणि
द्वेषस्थासि यदुन्मुखे विमुखतां यातासि तस्मिन् प्रिये ।।

  1. ૧. ચણ્ડી ! તું રતિરણધીર ધુરંધર ધાયડમલ્લ ગવાયે ;
    માટે રશનાદુંદુભિ દમકવી, ચલ, ત્યજી લાજ, ત્રિયા હે !
    મન્મથમદમીણા મનમોહનને રસીલી ! રસભેરે
    જગવ જગવ જઈને કરકંકણને રણકારે ઘેરે.
    ગીતગાવિદ, (રા, કે. હ. ધ્રુવ. )