પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪

એમ નથી એમ જાણતાં માથે પડતી જાળમાંથી છલંગ મારી ન્‍હાસી ગયો ! હવે એને મ્‍હારે કયાં શોધવો ? ”

ચંદ્રકાંત વિચારનિદ્રામાં પડી ગયો, અને સુન્દરગિરિનું સ્વપ્ન તેમ ખડું થયું.

“સુન્દરભાભી, આ સાંભળવાથી નથી સુખ આપણને – અને – નથી તેમને. સરસ્વતીચંદ્ર જડશે તોપણ તેમાં કુસુમનો સ્વાર્થ સધાય એમ નથી. એક પાસની ના હોય તો બીજી૫ાસને મરડીએ. પણ બે પાસનું વાંકું ત્યાં સીધું કરવું કઠણ. સરસ્વતીચંદ્રને પુત્ર જેવા ગણ્યા છે ને તેમને માટે કાળજું બળે છે માટે તેમને શોધવાનો સ્વાર્થ તો એટલો ખરો. બાકીની વાતમાં મન ઘાલવું તે નકામું છે.” ગુણસુંદરી ધીમે રહી બોલી.

“ભાભીજી, મ્‍હારાં જેવાં તો ધીરજ હારે. પણ સઉને ધીરજ આપનાર તમારા જેવાં અનુભવી માણસ નિરાશ થાય એ નવાઈ છે. જુવો છોકરવાદીની પણ ઋતુ છે તે બેને બેઠી છે ને બેની ઉતરશે. મને એણી પાસથી રંજ બ્‍હીક નથી લાગતી. પણ કુમુદના ઉપર જેમ આટલી પ્રીત તેને મન કુમુદની બ્‍હેન અણખપતી ચીજ વસે તો બ્‍હીક ખરી. ” સુન્દર બોલી.

ચંદ્રકાંતનો સ્વર ફરી નીકળ્યો ને આ વાતો ફરી બંધ થઈ. તેના મુખ ઉપર કંઈક સ્મિત, કંઈક હાસ્ય, ફરક્યું.

“કુસુમસુંદરીનો કુમારિકા ર્‌હેવાનો અભિલાષ રમણીય છે. તપોવનના હરિણના હૃદય પેઠે એનું હૃદય બાલભાવના ઉત્સાહથી ભરેલું છે, વ્યવહારસૃષ્ટિની રચનાના ભયનો લેશ દેખી શકતું નથી, નિર્દોષ સ્વતંત્ર વિહારનાં સ્વપ્નથી મોહ પામે છે, સંસારની ભેાગસૃષ્ટિના દોષ જોઈ શકે એટલી એની બુદ્ધિ ચકોર છે, ધારેલ અભિલાષ પૂર્ણ કરવાના માર્ગ શોધી શકે એટલી એની તર્ક-શક્તિ છે, અવલોકન કરી નવા વેશ ક્‌હાડે એવી દક્ષ છે – અને – અને મ્‍હારા મિત્રને રમકડાં પેઠે એ રમાડે અથવા – મિત્રને રમવાનું રમકડું થાય એવી એ રમતીયાળ છે.”

ગુણસુંદરી ફરી સ્તબ્ધ બની અને ચિત્ર પેઠે ઉભી. એની પાછળ હાથ નાંખી એને ડાબી સુંદર ઊભી.