પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૯


કુમુદે કંઈજ ઉત્તર દીધો નહી, પણ તેની આંખમાં આંસુની છાલકો ઉભરાવા લાગી. સામેના સમુદ્રનાં મોજાંની છાલકો આ આંખોને સુખ દેતી મટી અને એમાં કંઈક નવું સત્વ પ્રવેશ પામતું હોય તેમ એ હૃદયને ધરનારીની આકૃતિ થઈ ગઈ તેનું દુ:ખ ઘટવાને બદલે વધતું જોઈ આશાના ઉત્સાહને સટે મર્મસ્થાનમાંથી ઉભરાતો ક્ષોભ જોઈ સાધુસ્ત્રીઓ દુ:ખી થઈ. તેમને પોતાની ચિકિત્સામાં દોષ લાગ્યો. અને ઐાષધ તો તે પછીનું જ. તેમને આ ગુંચવારો થાય છે એટલામાં કુમુદને પાછળથી કોઈએ ખેંચી. તેણે ચમકીને ઉચું જોવા પ્રયત્ન કર્યો. તે પ્રયત્ન સફળ થયાં પ્હેલાં તો તેનું દુ:ખી રોતું મુખારવિંદ ચન્દ્રાવલીની વત્સલ છાતીમાં સમાઈ ગયું અને ચંદ્રાવલીના બે હાથ એના હૃદયને અને શિરને પોતાની છાતી સરસા ચાંપવા લાગ્યા.

“દુલારી, મધુરી, દુલારી ! મ્હારો જીવ રહ્યો નહી તે હું હવે આવી છું અને ત્હારા હૃદયની શાન્તિ પાછી આપીશું. મોહનીમૈયા, તમારાં વચન મ્હેં સાંભળ્યાં છે. પણ આની ચિકિત્સા ઘણી વિકટ છે. એક પાસથી શુદ્ધ આભિમાનિકી અને આભ્યાસિકી પ્રીતિ એક ઉપર અને બીજી પાસથી બીજા ઉપરની સંપ્રત્યયાત્મિકા પ્રીતિ – અને એ ઉભયપ્રીતિ પણ કેવળ સ્થૂલ નહી પણ સૂક્ષ્મ - અતિસૂક્ષ્મ – છે. એના સંપ્રત્યયનું શું કરવું અને અભિમાન અને અભ્યાસનું શું કરવું એ તો ચિકિત્સા પછીની વાત. એના સંપ્રત્યયનું રક્ષણ કરી, એના અભિમાન અને અભ્યાસને શાંત વિસ્મૃત કરાવી, શ્રી જગદમ્બાના કલ્યાણકારક હૃદયપાવન કૃપાપ્રસાદનું એને અાસ્વાદન કરાવીશું તો શું એને વૈરાગ્યનું શમસુખ પ્રાપ્ત નહી થાય ?”

ચંદ્રાવલીની અને પોતાની છાતીઓ વચ્ચેથી પોતાના હાથ બહાર ક્‌હાડી ચંદ્રાવલીની કેડ પાછળ એ હાથ વીંટી કુમુદ બોલી ઉઠી: “મ્હારે હવે એ જ જોઈએ છીએ – ચંદ્રાવલી મૈયા, મ્હારે એ જ જોઈએ છીયે. જુવો, આટલું સાંભળતાં મ્હારાં આંસુ ઉડી ગયાં.” કુમુદ આઘી ખસી અને ચંદ્રાવલીના સામું જોઈ વગર આંસુએ જેઈ રહી.

મોહની – ચંદ્રાવલી મૈયા, એની નાડી - પરીક્ષા તમે પુરી કરી નથી.

બંસરી – અમે એની હૃદયગુહામાં કંઈક ઉતરેલાં છીયે.

વામની – તમારી પરીક્ષા સત્ય હોય તો બેટ છોડી, યદુશુંગ ઉપર આવવાની ઉતાવળી ઈચ્છા ન થાય.

કુમુદ – સર્વ આરોપને પાત્ર છું, પતિત છું, પણ ઔષધ તો એક જ ચન્દ્રાવલીમૈયાવાળું જોઈએ છીયે.