પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૬૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૧
પ્રકરણ ૨૧.
હૃદયચિકિત્સા અને ઔષધ.
दया वा स्नेहो वा भगवति निजेऽस्मिन शिशुजने
भवत्याः संसाराद्विरतमपि चित्तं द्रवयति ।
अतश्च प्रव्रज्यासमयसुलभाचारविमुखः
प्रसक्तस्ते यत्नः प्रभवति पुनर्दैवमपरम् ॥

(હે ભગવતી ! આ શિશુજનપ્રતિ તમારી દયા ક્‌હો કે પ્રીતિ ક્‌હો - જે ક્‌હો તે સંસારથી વિરકત થયેલા તમારા ચિત્તને ઓગાળે છે; અને આથીજ સંસાર છોડતાં તમે કરેલી પ્રતિજ્ઞાઓને જે આચાર સુલભ હોવો જોઈએ તેથી વિમુખ અને અવિચ્છિન્ન આ પ્રયત્ન તમે માંડ્યો છે તે સફળ થવો જોઈએ ! પછી દૈવ તો છેજ – માલતીમાધવ.)

રિવ્રાજિકામઠમાં કન્યાઓ, વિધવાઓ, અને પરિવ્રાજિકાઓ સર્વનો વાસ હતો અને કન્યાને કામતંત્રના શાસ્ત્રીય બોધ એમાં કરવા દેવામાં આવતા હતા. પણ કન્યાને પુરુષનો યોગ કરવાની કથા આવે તેના વિચાર આચાર આ મઠની બ્હાર અને વિહારમઠની બ્હાર રાખવામાં આવતા. વિહારમઠમાં પણ માત્ર વિવાહિત દમ્પતીઓનાં જ વાસ હતા. પરિવ્રાજિકા મઠની અધિષ્ઠાત્રીના પદઉપર કોઈ વિધવાને જ રાખવામાં આવતી. અવિવાહિત, વિવાહિત, અને પરિવ્રાજક ત્રણે જીવનના અનુભવવાળી કાર્યગ્રાહિણી વિદુષીને આ મઠની અધિષ્ઠાત્રી નીમવામાં આવતી. વિહારમઠમાં વિવાહિત, સુશિક્ષિત, ઉદાર, રસજ્ઞ, શાસ્ત્રસંપન્ન દમ્પતી અધિષ્ઠાતા અને અધિષ્ઠાત્રી નીમાતાં. ચંદ્રાવલી એક કાળે વિહારપુરી સાથે વિવાહિત હતી ત્યારે એ દમ્પતીની પાસે વિહારમઠનું આધષ્ઠાનપદ હતું. તે ઉભય પરિવ્રજિત થયાં એટલે વિહારપુરી વિષ્ણુદાસજીના મઠમાં ગયો અને ચન્દ્રાવલી પરિવ્રાજિકામઠની અધિષ્ઠાત્રી થઈ. તે પછી ચન્દ્રાવલી સુન્દરગિરિનો ત્યાગ કરી બેટમાં ગઈ અને તેને સ્થાને મોહની એ મઠની અધિષ્ઠાત્રી થઈ હતી. એ મઠમાં કોઈ કન્યા મદનોન્મુખ થાય તો તેની વિવાહપર્યન્ત સંભાળ લેવી, તેનું ઉપદેશક સખીકૃત્ય કરવા સખી નીમવી, અને આવશ્યકતા હોય